આગામી બે દાયકામાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે: મુકેશ અંબાણી

નવી દિલ્હી- 24માં મોબીકોમ સંમેલનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, વિશ્વની પ્રથમ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિઓમાં યોગદાન આપવાનું ચૂકી જનાર ભારત હવે વ્યાપક સ્તર પર તેની ટેક-સેવી યુવા પેઢીની મદદથી ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે અને તે વિશ્વનો ત્રીજો સૌથી ધનિક દેશ બનવાના માર્ગે આગળ વધી રહ્યો છે.અંબાણીએ વધુમાં કહ્યું કે ભારતનું ડિજિટલ પરિવર્તન ‘અસાધારણ અને અભૂતપૂર્વ’ છે. વાયરલેસ બ્રોડબેન્ડ ટેક્નોલોજી અપનાવવામાં 155માં ક્રમેથી માત્ર 24 મહિનામાં ટોચનું નેતૃત્વ હાંસલ કર્યું છે. આજે આપણો જીડીપી 3 ટ્રિલિયન યુએસ ડોલરની નજીક છે અને ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી ધનિક દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. ભારતીય ઉદ્યોગ સાહસિકોએ વૈશ્વિક સ્તર પર તેમની છાપ છોડવાનું શરૂ કર્યું છે.

મુકેશ અંબાણીએ ભાર પૂર્વક કહ્યું કે, ‘હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આગામી બે દાયકામાં ભારત વિશ્વનું નેતૃત્વ કરશે અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિની આગામી તેજીમાં નોંધપાત્ર યોગદાન આપશે.’ કોલસા અને વરાળ તથા વીજળી અને ઓઈલ દ્વારા સંચાલિત અનુક્રમે પ્રથમ બે ઔદ્યોગિક ક્રાંતિઓ દરમિયાન ભારત હાંસિયામાં ધકેલાયેલું હતું અને તેણે કમ્પ્યુટર આધારિત ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન માત્ર વિશ્વ સાથે તાલ મિલાવવાનું શરૂ કર્યું હતું. ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ હવે આપણા પર છે.

આજે ભારત વિશ્વમાં ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સ ધરાવતું ત્રીજા નંબરનું રાષ્ટ્ર છે. ભારતમાં અગાઉ ક્યારેય આટલા મોટા પ્રમાણમાં ઉદ્યોગસાહસિક્તાની ભાવના ખીલેલી જોવા મળી નહોતી. આપણે આપણા બાળકોને સ્કૂલના સમયથી જ ડિજિટલી-સેવી બનાવવા પડશે. સ્કૂલોએ તેમના વિદ્યાર્થીઓને ‘ચાર-સી’ ક્રિટિકલ થિન્કિંગ, કમ્યુનિકેશન, કોલોબરેશન અને ક્રિએટીવિટીની તાલિમ આપવી જોઈએ. ભારત માટે ડિજિટલ યુગમાં નિરંતર નેતૃત્વ માટેનો પાયો રચવા માટે આ કુશળતાઓ જરૂરી છે.

રિલાયન્સ જિઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફાઇબર કનેક્ટિવિટી હવે 1500થી વધુ શહેરોમાં મકાનો, વેપારીઓ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને મોટા ઔદ્યોગિક સાહસોને એકસાથે વ્યાપક સ્તર પર સૌથી વધુ આધુનિક ફાઇબર-આધારિત બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સોલ્યુશન્સ પૂરું પાડશે.