ભારત, ચીન આગામી પાંચ વર્ષ વૈશ્વિક ગ્રોથની આગેવાની કરશેઃ IMF

જિનિવાઃ ભારત અને ચીન આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક GDP ગ્રોથની આગેવાની કરશે, એમ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)નો હાલનો એક રિપોર્ટ કહે છે. IMFએ વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂક દસ્તાવેજમાં બ્લુમબર્ગના હવાલેથી કહ્યું હતું કે વિશ્વના GDP ગ્રોથમાં આવનારાં વર્ષોમાં ચીનની ભાગીદારી 22.6 ટકા હશે, જ્યારે ભારતનો હિસ્સો 12.9 ટકા હશે. વૈશ્વિક GDPમાં અમેરિકાનું યોગદાન 11.3 ટકા હશે.

વૈશ્વિક ગ્રોથમાં ચીનનું યોગદાન અમેરિકા અને ભારતની તુલનામાં બહુ વધુ રહેવાની સંભાવના છે. ચીનનું એ યોગદાન અમેરિકાની તુલનામાં બે ગણું રહેવાની શક્યતા છે. ચીન, ભારત અને અમેરિકા પછી વૈશ્વિક GDPના ગ્રોથમાં સૌથી મોટું યોગદાન ઇન્ડોનેશિયા, જર્મની, તુર્કી અને જાપાનનું રહેશે. વૈશ્વિક GDPમાં આ દેશોનું પ્રત્યેકનું યોગદાન 3.5 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે.

વૈશ્વિક GDPમાં આશરે 75 ટકા યોગદાન માત્ર 15 દેશોનું હશે, જ્યારે 50 ટકા યોગદાન ચીન, ભારત, અમેરિકા અને ઇન્ડોનેશિયાનું હશે. વર્ષ 2022માં વૈશ્વિક GDP ગ્રોથ 3.4 ટકા રહ્યો હતો, જ્યારે ચાલુ વર્ષે એ 2.8 ટકા રહેવાની સંભાવના છે. જોકે વર્ષ 2024માં વૈશ્વિક GDP ગ્રોથ ત્રણ ટકા રહેવાની શક્યતા છે.

વર્ષ 2023માં વિશ્વના વિકસિત દેશોનો GDP ગ્રોથ ઘટીને 1.3 ટકાએ આવવાનો અંદાજ છે, જ્યારે એનો ગ્રોથ રેટ 2.7 ટકા હતો. રિપોર્ટ કહે છે કે 2023માં વૈશ્વિક મોંઘવારી દર 8.7 ટકાથી ઘટીને સાત ટકાએ આવવાની સંભાવના છે. IMFનું માનવું છે કે આગામી પાંચ વર્ષમાં ઊંચા વ્યાજદરવાળા માહોલમાં વૈશ્વિક ગ્રોથ આશરે ત્રણ ટકા રહેવાની શક્યતા છે. આ એજન્સી દ્વારા ત્રણ દાયકાઓમાં કરવામાં આવેલા સૌથી નબળા ગ્રોથનું આયોજન છે.