ભાવવધારા છતાં સોનાની માગમાં વધારોઃ રૂ. 75,000 કરોડનું વેચાણ

અમદાવાદઃ સોના-ચાંદી બજારમાં સોના-ચાંદીની કિંમતોમાં સતત તેજી જોવા મળી છે, તેમાંય ખાસ કરીને સોનાની કિંમતો આસમાને પહોંચી છે અને મધ્યમ વર્ગની પહોંચની બહાર પહોંચી છે. તેમ છતાં સોનાની માગ ધીમી પડવાનું નામ નથી લેતી. સોનાની કિંમતોમાં સતત તેજી જારી રહી છે. માર્ચ ત્રિમાસિકમાં દેશમાં સોનાની માગ આઠ ટકાની તેજી આવી છે, જ્યારે કિંમતોમાં સરેરાશ 11 ટકાની તેજી થઈ છે. વધતી માગને કારણે સોનાની કિંમતોમાં ઉછાળો આવ્યો છે. ગોલ્ડની કિંમત રૂ. 74,000ને પાર પહોંચી છે અને સોનામાં આવેલી તેજીને જોતાં આર્થિક સલાહકારે અંદાજ લગાવ્યો છે કે આ વર્ષના અંતમાં સોનાની કિંમતો રૂ. એક લાખને પાર પહોંચે એવી શક્યતા છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો વાર્ષિક રિપોર્ટ ગોલ્ડ ડિમાંડ ટ્રેન્ડ્સ Q1 24 મુજબ દેશમાં સોનાની માગ ઘરેણાં અને મૂડીરોકાણ-બંને આ વર્ષના જાન્યુઆરીથી માર્ચમાં વધીને 136.6 ટન થઈ હતી, જે એક વર્ષ પહેલાંના સમાનગાળામાં 126.3 ટન હતી. દેશમાં માગ વધવાનું કારણ એ છે કે દેશમાં આશરે રૂ. 75,470 કરોડના સોનાની ખરીદી કરવામાં આવી હતી. આ વેચાણ જાન્યુઆરીથી માર્ચની વચ્ચે કરવામાં આવી હતી. દેશમાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, જેથી પણ માગ વધી છે. દેશમાં સોનાની કુલ માગમાં આભૂષણોની માગ ચાર ટકા વધીને 95.5 ટન થઈ ગઈ છે, જ્યારે સિક્કા વગેરેની માગ 19 ટકા વધીને 41.1 ટન થઈ ગઈ છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દેશમાં સતત અર્થતંત્ર મજબૂત થઈ રહ્યું છે, જેથી સોનાની માગમાં મૂડીરોકાણની દ્રષ્ટિએ તેજી જોવા મળી રહી છે.આ વર્ષ દેશમાં સોનાની માગ 700-800 ટનની આસપાસ રહે એવી શક્યતા છે. આ પહેલાં વર્ષ 2023માં દેશમાં સોનાની માગ 747.5 ટન હતી.

 

 

 

 

 

 

 

i