જો આ ભૂલો કરી તો ક્રેડિટ કાર્ડ રદ પણ થઈ શકે

નવી દિલ્હીઃ દેશમાં ક્રેડિટ કાર્ડ હજી એવી પ્રોડક્ટ છે, જેને વેચવા માટે બેન્કોએ ઘણી મહેનત કરવી પડે છે, પણ એક વાર ક્રેડિટ કાર્ડ બની જાય પછી તમારે નિયમોની જાણ રાખવી જરૂરી છે. જો તમે નિયત સમયે ક્રેડિટ કાર્ડનું બિલનું પેમેન્ટ  નથી કરતા, તરત બેન્ક દંડ લગાવી દે છે. વારંવાર નિયમોના ઉલ્લંઘન પર બેન્ક તમારું ક્રેડિટ કાર્ડ કેન્સલ પણ કરી શકે છે. જો તમે સતત નિયત સમયે પછી ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરો છો તો તમારા ક્રેડિટ સ્કોર પર ખરાબ અસર પડે છે.

જો તમે એક નિશ્ચિત સમય સુધી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા તો પણ બેન્ક તમારું ક્રેડિટ કાર્ડ કેન્સલ કરી શકે છે. સામાન્ય રીતે એક વર્ષ સુધી ઉપયોગ નહીં થવા પર બેન્ક ક્રેડિટ કાર્ડ રદ કરી દે છે. એટલે જરૂર ના હોવા છતાં તમે બિલ ચૂકવવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છે.

ક્રેડિટ કાર્ડનો વધુપડતો ઉપયોગ એટલે વ્યક્તિ પાસે ઓછી રોકડ. સામાન્ય રીતે વ્યક્તિની અવેલેબલ લિમિટના 30 ટકાથી વધુ ખર્ચ કરવા પર બેન્ક સતર્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં બેન્ક તમારું ક્રેડિટ કાર્ડ કેન્સલ કરવાનો નિર્ણય લઈ શકે છે.

જો તમે ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે તો એનો ઉપયોગ કરવામાં તમારે સાવચેતી રાખવી પડશે. એ એક નાણાકીય પ્રોડક્ટ છે. એની સાથે કેટલીય સુવિધાઓ અને જોખમ જોડાયેલાં હોય છે. એટલે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી નથી, પણ એનો ઉપયોગ સહીસલામત રીતે કરવો વધુ જરૂરી છે.