મુંબઈઃ અમેરિકામાં સ્પોટ બિટકોઇન ઈટીએફને મંજૂરી આપવા માટે સંસદસભ્યો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને અનુરોધ કરી રહ્યા છે એવા સમયે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સુધારો થોડો આગળ વધ્યો છે. સંસદસભ્યોનું કહેવું છે કે કમિશને બિટકોઇન ઈટીએફને અટકાવવાને બદલે અદાલતોનું મંતવ્ય ધ્યાનમાં લેવું જોઈએ.
દરમિયાન, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.87 ટકા (296 પોઇન્ટ) વધીને 34,234 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,938 ખૂલ્યા બાદ 34,253ની ઉપલી અને 33,740ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો.
બીજી બાજુ, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ – જેમિની વિસ્તરણની પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે. એક્સચેન્જ ગુરગાંવમાં કાર્યાલય સ્થાપીને બે વર્ષના ગાળામાં આશરે 200 કરોડ રૂપિયાનું રોકાણ કરવા ધારે છે. એક અહેવાલ મુજબ ચીનનું શાંઘાઈ શહેર હવે વર્ષ 2025 સુધીમાં બ્લોકચેઇન શહેર બનવા ઈચ્છે છે. એના માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.
