હોર્લિક્સ એનર્જી ડ્રિન્ક વેચાઈ ગયું; હિન્દુસ્તાન યુનિલીવરે એને ખરીદી લીધું

મુંબઈ – ભારતની સૌથી મોટી પ્યોર-પ્લે કન્ઝ્યૂમર ગૂડ્સ કંપની હિન્દુસ્તાન યુનિલીવરે કહ્યું છે કે તે ગ્લેક્સોસ્મિથક્લાઈન કન્ઝ્યૂમરને પોતાની સાથે મર્જ કરશે. આ સોદો રૂ. 31,700 કરોડમાં થયો છે જે દેશમાં કન્ઝ્યૂમર ગૂડ્સ માર્કેટમાં અત્યાર સુધીનો સૌથી મોટો છે.

આ ઓલ-ઈક્વિટી મર્જર સોદો છે. હિન્દુસ્તાન યુનિલીવરના ચેરમેન સંજીવ મહેતાએ કહ્યું કે GSKCH ઈન્ડિયા અમારી સાથે મર્જ થવાથી વિવિધ બ્રાન્ડ્સ સાથેનો અમારો પોર્ટફોલિયો વિસ્તાર પામશે અને અમારા ગ્રાહકોને એક એક નવી કેટેગરી પણ મળશે – ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ. આ વિલિનીકરણથી સૂચક શેરહોલ્ડર વેલ્યૂનું નિર્માણ કરશે. અમારું ફૂડ એન્ડ રીફ્રેશમેન્ટ બિઝનેસનું ટર્નઓવર રૂ. 10 હજાર કરોડના આંકને પાર કરી જશે અને અમે દેશમાં ફૂડ એન્ડ રીફ્રેશમેન્ટ બિઝનેસમાં મોખરે થશું.

ભારતમાં મોલ્ટ-બેઝ્ડ પીણાના સેગમેન્ટમાં હોર્લિક્સ માર્કેટ લીડર છે. એનો હિસ્સો 43 ટકા છે. એની પછીના નંબરે આવે છે મોન્ડેલીઝ ઈન્ટરનેશનલની બોર્નવિટા, જેનો હિસ્સો આશરે 13 ટકા છે.

ભારતમાં, પેકેજ્ડ ફૂડ અને બેવરેજિસની માર્કેટમાં બિસ્કીટ્સ, નમકીન નાસ્તા અને એરેટેડ પીણાઓનો હિસ્સો વધારે રહ્યો છે. કદની દ્રષ્ટિએ આ બધાયનો હિસ્સો મળીને રૂ. 75,000 કરોડ થાય છે.

હોર્લિક્સ પીણું ભારતમાં બાળકો અને મોટેરાં, એમ સૌનું મનપસંદ રહ્યું છે.

હોર્લિક્સ એ મોલ્ટેડ મિલ્ક હોટ ડ્રિન્ક છે, જેનાં સ્થાપક છે જેમ્સ અને વિલિયમ હોર્લિક. સૌથી પહેલા એ હોર્લિક્સ ઈનફન્ટ એન્ડ ઈનવેલિડ્સ ફૂડ તરીકે વેચાયું હતું. ત્યારબાદ એ વયસ્ક વ્યક્તિઓ તથા પર્યટકો માટે પણ ઉપયોગી બન્યું હતું. 20મી સદીના આરંભમાં એ પાવડરવાળા ફૂડ સપ્લીમેન્ટ ડ્રિન્ક મિક્સ તરીકે વેચાયું હતું. હાલ એ ન્યુટ્રિશિનલ સપ્લીમેન્ટ તરીકે વેચાય છે. એનું ઉત્પાદન અમેરિકા, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, હોંગ કોંગ, ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા અને જમૈકામાં ગ્લેક્સોસ્મિથક્લાઈન (કન્ઝ્યૂમર હેલ્થકેર) દ્વારા કરવામાં આવે છે.

યુનિલીવરે હોર્લિક્સની સાથે જીએસકે કન્ઝ્યૂમર હેલ્થકેર ઈન્ડિયાની બીજી અનેક ફૂડ પ્રોડક્ટ્સ પણ ખરીદી લીધી છે.

જીએસકેના એક શેરના બદલામાં એચયૂએલ 4.39 શેર આપશે. આ સોદા અંતર્ગત યુનિલીવર કંપની જીએસકેની ભારત તથા વિદેશમાં રહેલી કેટલીક સંપત્તિઓ પણ પોતાને હસ્તક લેશે.

આ સાથે યુનિલીવરે જીએસકે-બાંગ્લાદેશમાં પણ 82 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.

આ સમગ્ર સોદો 12 મહિનામાં પૂરો થવાની ધારણા છે.

આ સોદાને પગલે ન્યૂટ્રિશિયન બિઝનેસની સમગ્ર કામગીરી ઉપરાંત અનેક અન્ય ઉત્પાદનોના વિતરણ કોન્ટ્રાક્ટ પણ એચયૂએલને મળ્યા છે. આમાં સેન્સોડાઈન, ઈનો, ક્રોસીન સહિત તમામ ઓવર-ધ-કાઉન્ટરનો પણ સમાવેશ થાય છે.

હોર્લિક્સે પહેલા વિશ્વ યુદ્ધ બાદ ભારતમાં પ્રવેશ કર્યો હતો. આ ભારતમાં બાળકોમાં સૌથી માનીતું પ્રવાહી પદાર્થ બ્રાન્ડ છે. આ એક ફૂડ સપ્લીમેન્ટ છે. પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયા બાદ અંગ્રેજો હોર્લિક્સને ભારતમાં લાવ્યા હતા. ત્યારથી ભારતમાં એ પીવાતું આવ્યું છે. ધીમે ધીમે એ બાળકોમાં ખૂબ લોકપ્રિય બની ગયું.