મહિન્દ્રાને પાછળ છોડી હોન્ડા બની દેશની ત્રીજી સૌથી મોટી કાર કંપની

નવી દિલ્હીઃ જાપાની કાર કંપની હોન્ડા કાર ઈંડિયાએ પેસેન્જર કાર સેલ્સ મામલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીને પાછળ છોડી દીધી છે. જુલાઈ 2018ના સેલ્સના આંકડાઓના હિસાબથી હોન્ડા હવે દેશની ત્રીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. હોન્ડાના વધી રહેલા સેલીંગ પાછળ સૌથી મોટો ફાળો હોન્ડાની Amaze કારનો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હોન્ડાએ જુલાઈ 2018માં 19,970 યુનિટ્સ વેચ્યા હતા. તો આ દરમિયાન મહિન્દ્રાએ 19,781 યુનિટ્સ વેચ્યા છે. તો મહત્વની વાત એ છે કે મહિન્દ્રાના ડોમેસ્ટિક સેલમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
હોન્ડા કાર ઈન્ડિયાએ આ પહેલા મહિન્દ્રાથી વધારે કાર માર્ચ 2015માં વેચી હતી. તે સમયે હોન્ડાએ ભારતમાં 22,696 યુનિટ્સ વેચ્યા હતા જ્યારે મહિન્દ્રાએ 21,030 યુનિટ્સ વેચ્યા હતા. હોન્ડાનું જુલાઈમાં સેલીંગ વાર્ષિક આધાર પર 17 ટકા વધારે ગ્રોથ નોંધવામાં આવ્યો છે.

ઓલ ન્યૂ અમેઝને પ્રથમ વાર ફેબ્રુઆરી 2018માં ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી અને મે 2018માં આને લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ કર્યા બાદ હોન્ડા અમેઝની માંગ બજારમાં સતત વધી હતી. હોન્ડા અમેઝે જુલાઈ 2018માં રેકોર્ડ નોંધાવ્યો હતો. કંપનીએ આ મહિને અમેઝના 10,180 યુનિટ્સ વેચ્યા છે. હોન્ડાના ટોટલ સેલીંગમાં અમેઝની ભાગીદારી આશરે 51 ટકા રહી છે. તો આ સાથે જ જુલાઈ મહિનો 2018માં હોન્ડા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થયો છે.