જેટ એરવેઝની આર્થિક સ્થિતિ કથળી, કર્મચારીઓના પગારમાં થશે ઘટાડો

નવી દિલ્હીઃ પ્રાઈવેટ સેક્ટરની મોટી કંપની જેટ એરવેઝની આર્થિક સ્થિતિ સતત નબળી પડી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. કંપનીએ પોતાના કર્મચારીઓને જણાવ્યું છે કે જો કંપની દ્વારા ખર્ચા ઓછા કરવામાં નહીં આવે તો 60 દિવસ બાદ કંપની ચલાવવી મુશ્કેલ બની જશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં એવા સમાચાર પણ સામે આવ્યાં હતાં કે કંપનીના મેનેજમેન્ટે પોતાના કર્મચારીઓનો પગાર ઘટાડવાનો નિર્ણય કર્યો છે.

તો આ સાથે જ કર્મચારીઓના પગારમાં પણ આશરે 25 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. જે કર્મચારીઓનું વાર્ષિક 12 લાખ રુપિયાનું પેકેજ છે તેમની 5 ટકા જેટલી સેલરી કપાશે. 1 કરોડથી વધારે વાર્ષિક પેકેજ ધરાવતા કર્મચારીઓની સેલેરીમાં 25 ટકા જેટલો ઘટાડો થશે. પાયલોટની સેલેરી 17 ટકા જેટલી ઓછી થઈ શકે છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીની સ્થિતિ અત્યારે વિકટ બની ગઈ છે કે બે મહિના પછી કંપની કેમ ચલાવવી તે પ્રશ્ન ઉભો થશે. ત્યારે અત્યારે મેનેજમેન્ટ દ્વારા સેલરી કટ અને બીજા ખર્ચ ઘટાડવાની જરૂર છે. અને જો આવું થશે તો જ બે મહિના બાદ કંપની ચલાવી શકાશે.

કર્મચારીઓ માટે સૌથી મોટી એ વાત છે કે વાતથી ચિંતિંત છે કે કંપનીએ તેમને આટલા વર્ષો દરમિયાન આ અંગે કોઇ માહિતી આપી નથી. જેના કારણે મેનેજમેન્ટ પર કર્મચારીઓનો વિશ્વાસ ઓછો થયો છે. જે અંગે કર્મચારીઓએ કંપનીને સવાલો કરતો ઇમેઇલ મોકલ્યો પરંતુ તેનો કોઇ જવાબ મળ્યો નથી.

એરલાઇનની મેનેજમેન્ટ ટીમે મુંબઇમાં કર્મચારીઓ સાથે મુલાકાત કરી તેમને સેલેરી કટની વાત કરી હતી. મેનેજમેન્ટે પોતાની મુશ્કેલીઓનું કારણ કાચા તેલના ભાવમાં વધારો અને બજારના મોટાભાગ પર ઇન્ડિગોનો કંટ્રોલ જણાવ્યાં છે. તેમણે જણાવ્યું કે કંપની છેલ્લા 6 વર્ષથી કોઇ વિકાસ નથી કરી શકી જેને લીધે તેની નાણાંકીય સ્થિતિ કમજોર થઇ ગઇ છે. 2016 અને 2017 સુધી સતત બે વર્ષના નફા પછી વિત્ત વર્ષ 2018માં જેટને 767 કરોડનું નુકસાન થયું છે. અને એટલા માટે જ કંપની અત્યારે સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]