કોરોનાને લીધે દેશમાં લક્ઝરી હોટેલોની કફોડી દશા

નવી દિલ્હીઃ દેશમાં હોટેલ અને રેસ્ટોરાં વેપાર કોરોના રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત ક્ષેત્રોમાંનું એક રહ્યું છે. લોકડાઉન અને આર્થિક મંદીને કારણે આ ક્ષેત્રની આવક અને નફામાં ધરખમ ઘટાડો આવ્યો છે.  કોરોના રોગચાળાને કારણે આ ક્ષેત્રના નફામાં નોંધપાત્ર ઘટાડાની સાથે ભારતીય હોટેલ ઉદ્યોગ સંપૂર્ણ વેરવિખેર થઈ ગયો છે. આ ક્ષેત્રને મંદીમાંથી બહાર આવતાં વર્ષો લાગશે, એમ નિષ્ણાતોનું કહેવું છે.

એપ્રિલ અને મેમાં કોરોનાની બીજી લહેર પિક પર હતી, ત્યારે ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન્સ ઓફ ઇન્ડિયા (FHRAI)એ વડા પ્રધાન મોદીની સરકાર પાસે તત્કાળ મદદ માગી હતી. ફેડરેશને તેમને લોન અને વ્યાજની ચુકવણી માટે મોરેટોરિયમની અરજ કરતાં ભાર દઈને કહ્યું હતું કે મદદ વગર ક્ષેત્રની હાલત કફોડી થઈ જશે. હોસ્પિટાલિટી ક્ષેત્ર કડડડભૂસ થઈ જશે. ફેડરેશનના વાઇસ પ્રેસિડન્ટ ગુરબક્ષિસ સિંહ કોહલીએ કહ્યું હતું કે સમય વ્યતીત કર્યા વગર સરકારે સ્ટેચ્યુટરી ચાર્જીસ માફ કરવા જોગવાઈ કરવી જોઈએ. ઉદ્યોગની અવગણનાને બદલે એને સહાય કરવી જોઈએ, નહીં ક્ષેત્ર નુકસાનમાંથી બહાર નહીં આવી શકે.

હોટેલ એક્ઝિક્યુટિવ્ઝ અને એનાલિસ્ટોએ ભાર દઈને કહ્યું હતું કે વર્તમાન સિનારિયોમાં વ્યાજ સહિત લોન ચૂકવવી મુશ્કેલ થઈ ગયું છે.

પ્રવાસમાં ઘટાડો થવાથી અને આર્થિક મંદીને કારણે દેશમાં લક્ઝરી હોટેલોની શૃંખલાઓને ભારે નુકસાન થયું છે. ફેડરેશનના જણાવ્યાનુસાર હોટેલ ઉદ્યોગ રોગચાળાને કારણે નાણાં વર્ષ 2020-21માં આવકમાં રૂ. 1.3 લાખ કરોડ (17.4 અબજ)થી વધુનું નુકસાન કર્યું છે.