પતંજલિ ગ્રુપનું ટર્નઓવર રૂ.30,000 કરોડ પર પહોંચ્યું

હરિદ્વારઃ યોગગુરુ બાબા રામદેવે સ્થાપેલા પતંજલિ ગ્રુપનો ટર્નઓવર આંક નાણાંકીય વર્ષ 2020-21માં આશરે રૂ. 30 હજાર કરોડ પર પહોંચી ગયો છે. આમાં રુચિ સોયા કંપની પાસેથી પતંજલિ ગ્રુપને મળેલા રૂ. 16,318 કરોડની આવકથી મોટું બળ પ્રાપ્ત થયું છે. નાદારી નોંધાવનાર રુચિ સોયાને પતંજલિ ગ્રુપે ગયા વર્ષે હસ્તગત કરી હતી.

પતંજલિ ગ્રુપનું લક્ષ્ય છે કે તેની કંપનીઓને આવતા 3-4 વર્ષમાં દેવામાંથી મુક્ત કરી દેવી. બાબા રામદેવે એવો સંકેત પણ આપ્યો છે કે ગ્રુપની FMCG પેટાકંપની પતંજલિ આયુર્વેદ શેરબજારમાં લિસ્ટેડ થશે. જોકે એમણે એ માટે કોઈ સમયમર્યાદા જણાવી નથી. વર્ષ 2021માં પતંજલિ આયુર્વેદે રૂ. 9,783.81 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું. વર્ષ 2020માં આ આંકડો રૂ. 9,022.71 કરોડ હતો. પતંજલિ નેચરલ બિસ્કિટ્સનું ટર્નઓવર રૂ. 650 કરોડ, આયુર્વેદ કંપની દિવ્ય ફાર્મસીનું ટર્નઓવર રૂ. 850 કરોડ અને ફૂડ પ્રોસેસિંગ પેટાકંપની પતંજલિ એગ્રોનું ટર્નઓવર રૂ. 1,600 કરોડ નોંધાયું છે.