ભારતમાં નવા કાર્ડ ઈસ્યૂ કરવાની માસ્ટરકાર્ડને મનાઈ

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે એક મોટું નિરીક્ષકીય પગલું લઈને અમેરિકાની માસ્ટરકાર્ડ કંપનીને ભારતમાં 22 જુલાઈથી નવા કાર્ડ ઈસ્યૂ કરવાની મનાઈ ફરમાવી દીધી છે. દેશની કેન્દ્રીય બેન્કે માસ્ટરકાર્ડને બેમુદત સમય સુધી નવા કાર્ડ ઈસ્યૂ કરવાની મનાઈ ફરમાવી છે. આમાં ક્રેડિટ, ડેબિટ અને પ્રીપેઈડ કાર્ડનો સમાવેશ થાય છે.

ડેટા સ્ટોરેજને લગતા નિયમોનું પાલન ન કરવા બદલ માસ્ટરકાર્ડ સામે આરબીઆઈએ આ કડક પગલું ભર્યું છે. માસ્ટરકાર્ડ એશિયા/પેસિફિક પ્રા.લિ. ભારતમાં કાર્ડ ઈસ્યૂ કરનાર મોટી કંપની છે. ભારતમાં આ પ્રકારની મનાઈ પામનાર માસ્ટરકાર્ડ ત્રીજી કંપની છે. આ પહેલાં આરબીઆઈ અમેરિકન એક્સપ્રેસ બેન્કિંગ કોર્પ અને ડાઈનર્સ ક્લબ ઈન્ટરનેશનલ કંપનીઓને પણ ડેટા સ્ટોરેજના મામલે આવી જ મનાઈ ફરમાવી ચૂકી છે.