સ્કિલ ઇન્ડિયા હેઠળ 1.28 કરોડ યુવાઓને તાલીમ અપાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રના મહત્ત્વાકાંક્ષી સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં 1.28 કરોડથી વધુ યુવાઓને તાલીમ આપવામાં આવી હતી, પણ એમાંથી અડધાથી વધુ (56 ટકા) યુવાઓને કોર્સ પૂરો કર્યા પછી નોકરી મળી શકી છે. આ તાલીમાર્થી યુવાઓને સરેરાશ રૂ. 10,000થી રૂ. 18,000 સુધીની સેલરી પ્રતિ મહિને મળી છે.

વડા પ્રધાન મોદીએ 15 જુલાઈ, 2015એ વિશ્વ યુવા કૌશલ દિવસે પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) કાર્યક્રમ લોન્ચ કર્યો હતો. જે યોજના હેઠળ 1.28 કરોડથી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી, જેમાંથી 46 લાખ મહિલાઓ હતી અને મોટા ભાગના પુરુષો હતા, એમ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રપ્રુનરશિપ મંત્રાલયના સત્તાવાર આંકડા જણાવે છે.આ યોજના હેઠળ માત્ર 450 ટ્રાન્સજેન્ડરોએ તાલીમ લીધી હતી, જ્યારે આશરે 45,000 વિકલાંગ લોકોએ કુશળતાની તાલીમ લીધી હતી, એમ ડેટા કહે છે.

ડેટા દર્શાવે છે કે રાજ્યવાર ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને આસામના યુવાઓએ સૌથી વધુ તાલીમ લીધી હતી. ઓછી સેલરી અને જેન્ડરની વિષમતા હોઈ શકે છે, કેમ કે આ યોજના હેઠળની તાલીમ બ્લુ કોલર નોકરીઓ માટે છે. અત્યાર સુધી PMKVY કાર્યક્રમ હેઠળ અપાતી તાલીમ ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, એપરલ, કૃષિ અને રિટેલ જેવાં ક્ષેત્રોમાં છે. મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ દેશમાં પાંચમો સૌથી વધુ પસંદ કરાતો કોર્સ છે.

જોકે હવે આત્મનિર્ભર ભારતની પહેલની સાથે સ્કિલ ઇન્ડિયા મિશનને હવે નવા યુગના કૌશલ તરીકે વિસ્તરણ કરવામાં આવશે, એમ મંત્રાલયે કહ્યું હતું.