નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં મંત્રાલયે એક RTI સવાલના જવાબમાં કહ્યું છે કે, ભારત આવતા વિદેશી નાગરિકો ભારતમાં જે માલસામાનની ખરીદી કરે અને એમની સાથે વિદેશ પાછા લઈ જાય એની પર ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) રીફંડની સુવિધા નહીં મળે.
સરકારે આનું કારણ એ આપ્યું છે કે એણે હજી સુધી ઈન્ટીગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટની સંબંધિત જોગવાઈઓનો આધાર લીધો નથી.
ભારત આવતા વિદેશીઓ ભારતમાંથી ખરીદેલા માલસામાન પર જીએસટી રીફંડ કેવી રીતે મેળવે એ વિશે વિદેશીઓ માટેની પ્રક્રિયાની વિગત સરકાર પાસે માગવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમના કેટલાક દેશો એમને ત્યાં જે વિદેશીઓ માલસામાન ખરીદે છે એમને ચોક્કસ પ્રકારના કરવેરાનું રીફંડ આપે છે.
એક RTI અરજીના જવાબમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કૃપા કરીને નોંધી રાખજો કે IGST (ઈન્ટીગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) 15મી કલમ હજી અમલમાં મૂકવામાં આવી નથી.
ઉક્તમ કલમ અંતર્ગત, કોઈ વિદેશી પર્યટક ભારતમાંથી માલસામાન ખરીદે અને પછી જ્યારે એ ભારત છોડે ત્યારે એ જે ઈન્ટીગ્રેટેડ ટેક્સ ચૂકવે એનું તેને રીફંડ મળી શકે, પરંતુ એ માટે એણે અમુક શરતોનું પાલન કરવું પડે. એવો પર્યટક ભારતનો રહેવાસી હોવો ન જોઈએ. એ ભારતમાં પ્રવેશ કરે એના છ મહિનાથી વધારે સમય ભારતમાં રહ્યો હોવો ન જોઈએ.