ભારત-એન્ટિગુઆ વચ્ચે થઈ ગઇ પ્રત્યાર્પણ સંધિ, ચોક્સી હવે ચોકઠાંમાં

નવી દિલ્હીઃ હજારો કરોડનો ગોટાળો કરીને દેશમાંથી ભાગી ગયેલા હીરા વ્યાપારી મેહુલ ચોક્સી પર ગાળો કસાઈ રહ્યો છે. અહીંયાથી ભાગીને તેણે કેરેબિયાઈ દેશ એન્ટિગુઆની નાગરિકતા પ્રાપ્ત કરી લીધી હતી આ દેશ સાથે પ્રત્યાર્પણ ડીલ નહોતી. પરંતુ તાજેતરમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભારત અને એન્ટિગુઆએ પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર કરી લીધા છે. ત્યારે હવે મેહુલ ચોક્સીને સરળતાથી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત એન્ટિગુઆથી ભારત લાવી શકાય છે.  

આપને જણાવી દઈએ કે ચોક્સી એન્ટિગુઆમાં હોવાની માહિતી પ્રાપ્ત થતાની સાથે ભારતીય એજન્સીઓ મેહુલ ચોક્સી સુધી પહોંચવાના શક્ય તેટલા તમામ પ્રયત્નોમાં લાગી ગઈ હતી. ચોક્સી મામલે મળેલી આ સફળતા સરકાર માટે મહત્વપૂર્ણ છે કારણે અત્યાર સુધી વિપક્ષ પણ આ મુદ્દાને લઈને સરકાર પર પ્રહાર કરી રહ્યું હતું.

ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ મામલે એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારત સરકારે જણાવ્યું છે કે પ્રત્યાર્પણ સંધિ 1962ના પ્રાવધાન એન્ટિગુઆ એન્ડ બરબુડા પર પણ લાગુ થશે. આ પહેલા એન્ટિગુઆએ જણાવ્યું હતું કે બંન્ને દેશોના રાષ્ટ્રમંડળના સભ્ય હોવાના કારણે તેના કાયદામાં ચોક્સીના પ્રત્યાર્પણની શક્યતાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ એન્ટિગુઆની સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારત દ્વારા ક્લિયરન્સ મળ્યા બાદ જ ભાગેડુ વ્યાપારીને નાગરિકતા આપવામાં આવી હતી. એન્ટિગુઆની સરકારની સિટિઝનશિપ બાય ઈન્વેસમેન્ટ યુનિટે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેને 2017માં મેહુલ ચોક્સીની એપ્લિકેશન મળી હતી. એપ્લિકેશનમાં ચોક્સીએ જરૂરી તમામ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા જેમાં એન્ટિગુઆ એન્ડ બારબુડા સિટિઝનશિપ બાય ઈન્વેસમેન્ટ એક્ટ 2013ના સેક્શન 5(2)(b)  અંતર્ગત જરૂરી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ સમાવિષ્ટ હતા.   

 

આ મુદ્દે વિપક્ષ દ્વારા સરકાર પર અનેક પ્રકારના આરોપો પણ લગાવવામાં આવ્યા. જો કે પોલીસ ક્લિયરન્સને લઈને મુંબઈ પોલીસનું કહેવું છે કે ચોક્સીને 2015માં તત્કાલ શ્રેણીથી પાસપોર્ટ આપવામાં આવ્યો હતો જેમાં પોલીસ વેરિફિકેશનની જરૂર નથી હોતી. મુંબઈ પોલીસે જણાવ્યું કે ચોક્સીએ 4 જાન્યુઆરી 2018ના રોજ દેશ છોડ્યો હતો અને સીબીઆઈએ 31 જાન્યુઆરી 2018ના રોજ તેના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.  મુંબઈ પોલીસે જણાવ્યું છે કે 23 ફેબ્રુઆરી 2017ના રોજ ચોક્સીએ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે મુંબઈ આરપીઓમાં અરજી કરી હતી અને 10 માર્ચ 2017ના રોજ માલાબાર હિલ પોલીસ સ્ટેશન દ્વારા ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ જાહેર કરાયું હતું.