સરકારે ઘઉંના લોટની નિકાસ પર નિયંત્રણો મૂક્યા

નવી દિલ્હીઃ દેશમાં ઘઉંના લોટની વધી રહેલી કિંમતને અંકુશમાં રાખવા માટે કેન્દ્ર સરકારે ઘઉંના લોટની નિકાસ પર નિયંત્રણો મૂકી દીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતમાં સમાજના જરૂરિયાતમંદ લોકોને ઘઉંના લોટની અછત ન પડે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Photo by Alex on Pixnio

રશિયા અને યૂક્રેન ઘઉંના સૌથી મોટા નિકાસકાર દેશો છે. વિશ્વસ્તરે ઘઉંનો જે વ્યાપાર થાય છે એમાં એક-ચતુર્થાંસ હિસ્સો રશિયા, યૂક્રેનનો છે. પરંતુ બંને દેશ વચ્ચે યુદ્ધ ફાટી નીકળતાં ઘઉંની સપ્લાય વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, પરિણામે ભારતીય ઘઉંની ડીમાન્ડ વધી ગઈ. પરંતુ, આને કારણે ભારતમાં સ્થાનિક બજારમાં ઘઉંની અછત ઊભી થઈ અને તેના ભાવ વધી ગયા. 2021ના એપ્રિલ-જુલાઈની સરખામણીએ 2022ના એપ્રિલ-જુલાઈમાં ભારત દ્વારા ઘઉંના લોટની નિકાસમાં 200 ટકાની વૃદ્ધિ થઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ઘઉંના લોટની ડીમાન્ડ વધી જતાં ભારતની બજારમાં આ ચીજની કિંમત વધી ગઈ છે.