નવી દિલ્હીઃ પ્રીમિયમ બાસમતી ચોખાના નામે સફેદ નોન-બાસમતી ચોખાની ગેરકાયદેસર રીતે નિકાસ થતી રોકવા માટે કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે ટન દીઠ 1,200 ડોલરથી ઓછી કિંમતે બાસમતી ચોખાની નિકાસની પરવાનગી અપાશે નહીં.
કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે આ બાબતે વ્યાપાર પ્રોત્સાહન સંસ્થા APEDA (એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી)ને આદેશ આપ્યો છે અને કહ્યું છે કે તેણે ટન દીઠ 1,200 ડોલરથી નીચેના કોઈ કોન્ટ્રાક્ટ રજિસ્ટર કરવા નહીં. કેન્દ્ર સરકારે ગઈ 20 જુલાઈથી નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.