નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે સરકારી કર્મચારીઓને કહ્યું છે કે તેમણે એમની અધિકૃત યાત્રા શ્રેણી પર કોઈ પણ સ્થળે વિમાન પ્રવાસે જતી વખતે ‘સૌથી સસ્તું ભાડું ઉપલબ્ધ’ વિકલ્પ પસંદ કરવો અને વિમાન પ્રવાસની ટિકિટ એમના પ્રવાસની તારીખથી ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા અગાઉથી બુક કરાવવી, કારણ કે મંત્રાલયે બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકવાનું નક્કી કર્યું છે. મંત્રાલયે વધુમાં એમ જણાવ્યું છે કે કર્મચારીઓએ એમના ટુર કાર્યક્રમ માટેની મંજૂરી સંબંધિત કાર્યાલયમાં પ્રક્રિયા હેઠળ હોય તો પણ એમણે દરેક પ્રવાસ માટે માત્ર એક જ ટિકિટ બુક કરાવવી. ઉપરાંત, બિનજરૂરી કારણસર ટિકિટ રદ કરાવવાનું પણ ટાળવું.
સરકારી કર્મચારીઓને હાલ માત્ર ત્રણ ઓથોરાઈઝ્ડ ટ્રાવેલ એજન્ટ પાસેથી જ એર ટિકિટ ખરીદવાની છૂટ અપાઈ છે – બાલમેર લૌરી એન્ડ કંપની, અશોક ટ્રાવેલ એન્ડ ટુર્સ તથા IRCTC.