નવી દિલ્હી – કેન્દ્ર સરકાર એક એવું પગલું ભરવા વિચારે છે જે જો ખરેખર અમલમાં મૂકાશે તો દેશભરમાં ઔપચારિક જોબ સેક્ટરમાં લાખો કર્મચારીઓને લાભ થશે.
સરકાર ગ્રેચ્યુઈટી ક્લેઈમ કરવા માટે નોકરીના પીરિયડની મુદતને ઘટાડવા માટેના એક પ્રસ્તાવને આ વર્ષના અંત સુધીમાં સ્વીકારે એવી ધારણા છે.
પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ, 1972માં સુધારો કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. એમાં એવી માગણી કરવામાં આવી છે કે ગ્રેચ્યુઈટી મેળવવાની પાત્રતા, જે હાલ પાંચ વર્ષની છે તે ઘટાડીને ત્રણ વર્ષની કરવામાં આવે.
કેન્દ્રના શ્રમ મંત્રાલયે આ માટે ઉદ્યોગ પાસેથી કમેન્ટ્સ અને મંતવ્યો મગાવ્યા છે. ઉદ્યોગના મહારથીઓ તથા નિષ્ણાતો સાથે મસલત કર્યા બાદ આ પ્રસ્તાવ વિશે સરકાર નિર્ણય લેશે. ત્યારબાદ પ્રસ્તાવને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ સમક્ષ મૂકવામાં આવશે.
સૂત્રોનું એમ પણ કહેવું છે કે જો પ્રસ્તાવ સ્વીકારી લેવામાં આવશે તો ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ હેઠળ નોકરીએ રખાતા કર્મચારીઓ/કામદારોને પણ ગ્રેચ્યુઈટીનો લાભ મળશે. અત્યાર સુધી, કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કોઈ પ્રકારે ગ્રેચ્યુઈટીનો લાભ મળતો નથી.
ફેક્ટરીઓ, ખાણ ઉદ્યોગ, તેલક્ષેત્રો, પ્લાન્ટેશન્સ, બંદર, રેલવે કંપનીઓ, દુકાનો તથા અન્ય પેઢીઓમાં કામ કરતા કર્મચારીઓને ગ્રેચ્યુઈટીની ચૂકવણી કરવા માટે પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ, 1972 ઘડવામાં આવ્યો છે. આ કાયદો એવા કર્મચારીઓને લાગુ પડછે જેમણે કોઈ કંપનીમાં ઓછામાં ઓછા સતત પાંચ વર્ષ સુધી નોકરી કરી હોય. વળી, એવી કંપનીઓમાં 10 કે તેથી વધુ વ્યક્તિઓ કામ કરતી હોવી જોઈએ.
આ કાયદા અનુસાર, કોઈ કર્મચારી સતત પાંચ કે તેથી વધુ વર્ષ સુધીની નોકરી કર્યા બાદ છૂટો થાય કે નિવૃત્ત થાય ત્યારે એને ગ્રેચ્યુઈટી તરીકે રકમ ચૂકવવામાં આવે છે.