સરકારે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવાની તારીખ 31 માર્ચ સુધી વધારી

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયે જીએસટી વાર્ષિક રિટર્ન જમા કરાવવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ 2019 કરી દીધી છે. હવે વેપારીઓ 31 માર્ચ સુધીમાં વાર્ષિક રિટર્ન જમા કરાવી શકશે. સરકારના આ નિર્ણયથી વ્યાપારીઓને મોટી રાહત મળી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જીએસટી વાર્ષિક રિટર્ન ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2018 રાખવામાં આવી હતી. વાર્ષિક રિટર્ન ફોર્મમાં જીએસટી અંતર્ગત રજીસ્ટર્ડ કંપનીઓને વેચાણ, ખરીદી અને ઈનપુટ ટેક્સ ક્રેડિટની પૂરી જાણકારી આપવાની હોય છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સના જણાવ્યા પ્રમાણે જીએસટીઆર-9, જીએસટીઆર-9 એ અને જીએસટીઆર-9સી 31 માર્ચ સુધી ભરી શકાશે. જીએસટી પોર્ટલ પર ઝડપથી આ ફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ  નાણાં પ્રધાન પાસે માંગ કરી હતી કે વાર્ષિક જીએસટી રિટર્ન ભરવા માટે ડેડલાઈન વધારવામાં આવે. તેમનું કહેવું હતું કે વાર્ષિક રિટર્નનું ફોર્મેટ કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી. એવામાં વેપારીઓ માટે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન દાખલ કરવું શકય બનશે નહિ.