નવી દિલ્હીઃ સરકાર આગામી IPO માટે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)નું રૂ. 13થી રૂ. 14 લાખ કરોડનું મૂલ્યાંકન આંકી રહી છે. જોક સરકારે આ મૂલ્યાંકનનો અંતિમ નિર્ણય જાહેર નથી કર્યો. એલઆઇસીના IPO માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP)નો ડ્રાફ્ટ આગામી બે દિવસમાં દાખલ થવાની અપેક્ષા છે અને સરકાર ચાર-પાંચ ટકા હિસ્સો વેચે એવી શક્યતા છે, એમ બજારનાં સૂત્રોએ કહ્યું હતું. વીમા ક્ષેત્રની અગ્રણી કંપનીનું એમ્બેડેડ મૂલ્ય રૂ. પાંચ લાખ કરોડથી વધુ હશે અને બજાર મૂલ્ય એમ્બેડેડ મૂલ્યથી ત્રણથી ચાર ગણું હોવાની શક્યતા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
છેલ્લા બે મહિનામાં LICના એજન્ટો પોલિસીધારકોને ડીમેટ ખાતાં ખોલવા માટે આગ્રહ કરી રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે પ્રેફરન્શિયલ કિંમતે શેર મેળવવાને પાત્ર ઠરશે. આ ઉપરાંત કોર્પોરેશન પણ શેરહોલડરોને તેમની પોલિસી સામેના પેન નંબરને અપડેટ કરવા નિર્દેશ આપી રહ્યું છે. સરકાર LICના શેરો પોલિસીહોલ્ડરોને ઉદાર હાથે ફાળવે એવી ધારણા છે. વળી. સરકાર સરપ્લસ ઇક્વિટીને પોલિસીહોલ્ડરોને અને શેરહોલ્ડરોને 95:5ના ધોરણે ફાળવે એવી સંભાવના છે, પણ કાયદો 90:10ના રેશિયોએ ફાળવવાની મંજૂરી આપે છે.
બજેટ પછી દીપમ સચિવ તુહિન કાંતા પાંડેએ કહ્યું હતું કે સરકાર એકાદ સપ્તાહમાં LICના IPOના કદ નક્કી કરશે. LICનો IPO માર્ચના મધ્યમાં આવે એવી વકી છે. રોકાણકારો અને નાણાકીય બજારો LICના IPOની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.