શા માટે ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી ‘Mitron’, ‘રીમૂવ ચાઈના એપ્સ’?

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ચાઈનીઝ એપ્લિકેશન્સનો બહિષ્કાર કરવાની વાતો ચાલી રહી છે. આ બધા વચ્ચે ગૂગલે આ સપ્તાહે જ તેના પ્લે સ્ટોર પરથી ‘Mitron’ અને ‘રીમૂવ ચાઈના એપ્સ’ નામની બંને એપ્સને હટાવી દીધી છે. ‘મિત્રોં’ એપને ‘ટિકટોક’નું ઈન્ડિયન વર્ઝન તરીકે રજૂ કરવામાં આવી રહી હતી તો ‘રીમૂવ ચાઈના એપ્સ’ કોઈપણ મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ કરેલી ચાઈનીઝ એપ્સને દૂર કરવામાં મદદ કરતી હતી. આ બંને એપ ભારતમાં રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.

‘એન્ડ્રોઈડ’ અને ‘ગૂગલ પ્લે’ વાઈસ પ્રેસિડેન્ટ સમીર સામતે એક નિવેદનમાં કહ્યું કે ટેક્નિકલ પોલિસી વાયલન્સને કારણે આ સપ્તાહે અમે એક વીડિયો એપને હટાવી દીધી. અમારી પાસે ડેવલપર્સની સાથે કામ કરવાની એક સ્થાપિત પ્રક્રિયા છે, જે તેમની સમસ્યાઓનો નિકાલ કરવા અને તેમની એપને ફરીથી સબમિટ કરવામાં તેમની મદદ કરે છે. અમે ડેવલપરને કેટલીક વાતો કહી, એક વખત તે આ પોલિસી વાયલન્સનો પ્રોબ્લેમ સોલ્વ કરી લેશે તો ફરીથી એપ ગૂગલ પ્લે સ્ટોર પર આવી જશે.

જોકે, રિમૂવ ચાઈના એપ્સ અંગે એવુ નથી. આ એપ પરત નહી આવી શકે. આ એપને સસ્પેન્ડ કરવામાં આવી છે કારણ કે આ એપ થર્ડ પાર્ટી એપને રિમૂવ કરવા અને તેમણે ડિસેબલ કરવા માટે પ્રોત્સાહિત કરતી હતી.

કંપનીએ નિવેદનમાં કહ્યું છે કે, એક સ્વસ્થ પ્રતિસ્પર્ધી મોહાલ જાળવી રાખવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. એક જૂનો નિયમ છે, જ્યાં ડેવલપર્સ ડિઝાઈન અને ઈનોવેશનના આધાર પર સફળ થઈ શકે છે. જ્યારે એપને અન્ય એપ્લિકેશનને વિશેષ પ્રકારે ટાર્ગેટ કરવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારે એ ડેવલપર્સ અને ગ્રાહકના હિતમાં નથી હોતું. ગૂગલે છેલ્લા થોડા સમયથી સતત અનેક દેશોમાં અન્ય એપ વિરુદ્ધ આ નીતિ લાગૂ કરી છે.

મિત્રોં એપને ટિકટોકના ઈન્ડિયન વર્ઝન તરીકે પ્રમોટ કરવામાં આવી રહી હતી. ચીની પ્રોડક્ટને બાયકોટ કરવાની પહેલ વચ્ચે આ એપ પણ ખૂબ જ જડપે લોકપ્રિય થઈ રહી હતી. તો ‘રિમૂવ ચાઈના એપ’ કોઈ પણ મોબાઈલમાં રહેલ ચાઈનિઝ એપને અનઈન્સ્ટોલ કરવામાં મદદ કરે છે. આ એપ મોબાઈલને સ્કેન કરે છે અને માહિતી આપે છે કે, કઈ કઈ એપ ચાઈનામાં બની છે. પછી યૂઝર તેમની જરૂરીયાત મુજબ એ એપને હટાવી શકે છે. 2 જૂને આ એપ પ્લે સ્ટોર પર ફ્રી એપની કેટેગરીમાં ટોપ પર હતી.