USમાં વ્યાજદર કાપની સંભાવનાથી સોનું નવી ઊંચી સપાટીએ

નવી દિલ્હીઃ અમેરિકાના જોબડેટા નબળા આવતાં આવતા સપ્તાહે 25ને બદલે 50 બેસિસ પોઇન્ટનો વ્યાજકાપ આવવાની સંભાવના છે. જેથી  સોનું ફરી નવી લટાઇમ મહત્તમ સપાટી ૨૫૭૩.૫ ડોલરે પહોંચ્યું હતું. ચાંદી પણ સોનાની રાહે વધી હતી. ફેડના પચીસ બેસિસ પૉઇન્ટના રેટ-કટના ચા​ન્સિસ ૩૦ ટકાથી વધીને ૪૧ ટકા થતાં સોનામાં નવી ટોચ જોવા મળી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૧૨૪૩ અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. ૨૯૧૨ વધ્યો હતો. મુંબઈમાં સોના-ચાંદીનો ભાવ વધીને દોઢ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા.

યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૫ ટકાએ પહોંચાડ્યા હતા. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ૨૦૨૪માં બીજી વખત વ્યાજકાપ કર્યો હતો. અગાઉ જૂન મહિનામાં વ્યાજદરકાપ કર્યા બાદ આ બીજો વ્યાજદરકાપ કર્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે જુલાઈ, ૨૦૨૨થી વ્યાજકાપમાં વધારો કરવાની શરૂઆત કરી હતી ત્યાર બાદ સતત અગિયાર વખત વ્યાજદર વધારો કર્યા બાદ જૂન મહિનામાં વ્યાજદર કાપ કર્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બેન્કે ઇન્ફ્લેશનનું પ્રોજેક્શન ૨૦૨૪ માટે ૨.૫ ટકા, ૨૦૨૫ માટે ૨.૨ ટકા અને ૨૦૨૬ માટેનું ૧.૯ ટકા મૂક્યું હતું. ગ્રોથ રેટનું પ્રોજેક્શન ૨૦૨૪ માટે ૦.૯ ટકાથી ઘટાડીને ૦.૮ ટકા કરવામાં આવ્યું હતું. અમેરિકાના નવા અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ નંબર્સ સાત સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૦૦૦ વધીને ૨.૩૦ લાખે પહોંચ્યા હતા જે માર્કેટની ધારણા પ્રમાણે વધ્યા હતા, જ્યારે એ​ક્ઝિ​સ્ટિંગ બેનિફિટ નંબર્સ ૧૨,૯૬૮ ઘટીને ૧.૭૭ લાખે પહોંચ્યા હતા.

અમેરિકન જોબમાર્કેટની નબળાઈ હાલ ઇકોનોમિક ક​ન્ડિશન માટે સૌથી મોટું શિરદર્દ બની ગયું છે. ગયા સપ્તાહે અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ નંબર્સ વધતાં જોબ માર્કેટની નબળાઈ ફરી સામે આવી હતી જેને કારણે ફરી વ્યાજદરકાપના ચાન્સ વધ્યા હતા.

છેલ્લા દસ મહિનામાં જે દિવસે વ્યાજદર કાપના ચાન્સ વધ્યા છે એ દિવસે સોનામાં નવો ઉછાળો જોવા મળ્યો છે, આ સિલસિલો હજી ચાલુ છે અને વ્યાજદરકાપના ચા​ન્સિસના વધારાને પગલે સોનું ફરી નવી ઓલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. ફેડની મિટિંગ આગામી મંગળ-બુધવારે હોવાથી બુધવારે વ્યાજદરના નિર્ણયની જાહેરાત થશે એ અગાઉ હજી વ્યાજદરકાપના ચાન્સ વધશે તો સોનું વધશે અને સોનું ૨૬૦૦ ડોલરની સપાટીને કુદાવી જશે.