સોનું નવી ઓલ ટાઇમ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું

નવી દિલ્હીઃ વૈશ્વિક માર્કેટમાં સોનું નવી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું છે. સોનાની કિમતો છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં સતત રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકામાં વ્યાજદરોમાં કાપની સંભાવના બળવત્તર બનતાં સોનું નવી ઊંચાઈએ પહોંચ્યું હતું.

વૈશ્વિક માર્કેટમાં સ્પોટ ગોલ્ડ 2482.29 પ્રતિ ઔંસ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. આ જ રીતે બેન્ચમાર્ક US ઓગસ્ટ ગોલ્ડ ફ્યુચર્સ પણ ટ્રેડિંગ દરમ્યાન 2487.40 ડોલર પ્રતિ ઔંસના નવા રેકોર્ડ સ્તરે જોવા મળ્યું હતું.

દેશમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ. 74,030એ પહોંચી છે. બજારને અપેક્ષા છે કે સપ્ટેમ્બરની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરોમાં કમસે કમ 0.25 ટકાનો કાપ મૂકશે. અમેરિકી ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કેન્દ્રીય બેઠકમાં નિવેદન કર્યું હતું કે ફેડ બેન્ક વ્યાજદરોમાં 25 બેઝિસ પોઇન્ટનો કાપ મૂકે. તેમણે કહ્યું હતું કે મોંઘવારીના હાલના ડેટા બેન્કના લક્ષ્ય તરફ સતત વળી રહ્યા છે.

બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ અમેરિકા અને વિકસિત દેશોમાં વ્યાજદરો નીચા આવશે તો સોનામાં સ્પષ્ટ અને ટકાઉ તેજીની સ્થિતિ બની શકે છે. સોનામાં હવે તેજી થશે તો એમાં પશ્ચિમી દેશોના રોકાણકારોની મોટી ભૂમિકા ભજવશે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના હાલમાં કેન્દ્રીય બેન્ક ગોલ્ડ રિઝર્વના સર્વેમાં પણ એ વાત સામે આવી હતી કે 29 ટકા કેન્દ્રીય બેન્ક આગામી 12 મહિનામાં ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવા ઇચ્છે છે. જોકે ડેટા કહે છે કે સોનાની વધેલી કિંમતોથી ચીન અને ભારતમાં છેલ્લા બે મહિનામાં ફિઝિકલ માગમાં અસર પડી છે.