મહિનામાં 9 ટકા મોંઘુ થયું સોનું, તહેવારોમાં ભાવ 40 હજારે પહોંચે એવી શક્યતા

નવી દિલ્હી- વૈશ્વિક ગ્રોથમાં સુસ્તીની સાથે વિશ્વભરમાં વ્યાજ દર ઘટવાનો સિલસિલો શરુ થવાથી સોનામાં તેજીનો મોહાલ બની ગયો છે. સોનાની કિંમત તેમના ઉચ્ચતમ સ્તર હોવાની સાથે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. સપ્તાહની શરુઆતે દિલ્હીમાં સ્પોટ માર્કેટમાં સોનાની કિંમત 38,470 રૂપિયા પર પહોંચી ગઈ હતી.

નિષ્ણાંતોનું કહેવું છે કે, તહેવારોની સિઝનમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 40 હજારને પાર જાય તેવી શક્યતા છે. પીપી જ્વેલર્સના વાઈસ ચેરમેન પવન ગુપ્તાએ કહ્યું કે, હાલના સમયે ઘરેલૂ માર્કેટમાં ડિમાન્ડ નથી, તેમ છતાં ગોલ્ડની કિંમતો વધી રહી છે. તેમણે કહ્યું અનેક કારણોને લઈને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનામાં રોકાણ વધી રહ્યું છે. ચાલુ મહિનેથી જ તહેવારોની સિઝન શરુ થઈ રહી છે. જેને લઈને ઘરેલૂ માગ પણ વધી જશે. આ સ્થિતિમાં સોનામાં તેજીની શક્યતા વધી ગઈ છે. સોનાનું આગામી સ્તર 39000 રૂપિયાનું છે. ત્યારબાદ સોનું 40 હજારના સ્તરને આંબે તો નવાઈ નહીં.

એક જ મહિનામાં 9 ટકા મોંઘુ થયું સોનું

છેલ્લા એક મહિનામાં જ ઘરેલૂ માર્કેટમાં સોનાની કિંમતમાં 9 ટકાનો વધારો થયો છે. જો ચાલૂ નાણાંકીય વર્ષની વાત કરીએ તો અત્યાર સુધીમાં 21 ટકા રિટર્ન આપ્યું છે. લંડન અને ન્યૂ યોર્કમાં હાજર સોનું 6.65 ડોલર વધીને 1,502.95 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે, જો તેજી આ રીતે ચાલૂ રહી તો સોનું આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 1550 ડોલર અથવા તેનાથી ઉચ્ચ લેવલ પર પહોંચી શકે છે. પ્રેમજીવાલજી જ્વેલર્સના હરેશ સોનીનું માનવું છે કે, ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોરને કારણે  રોકાણકારો સોના તરફ વળી રહ્યાં છે. આ ઉપરાંત વૈશ્વિક માર્કેટમાં પણ સ્લોડાઉનના સમાચારને પગલે શેર બજારમાં રોકાણ ઘટી રહ્યું છે. આ સ્થિતિમાં સોનામાં હજું વધુ તેજી આવી શકે છે.

ટ્રેડ વોર નબળુ પડશે તો ઘટશે સોનાની કિંમત

જો ટ્રેડ વોરમાં અમેરિકાનું વલણ નરમ થઈ જાય તો સોનામાં સુધારો આવી શકે છે, એટલે કે, કિંમતોમાં ઘટાડો આવી શકે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફને મામલો સેટલ કરવાની સંભાવના નહિવત્ત છે. જો ટ્રેડવોર નરમ પડે તો વૈશ્વિક ઈકોનોમીમાં જે સ્લોડાઉન વધી રહ્યું તેમાં થોડી રુકાવટ આવી શકે છે. અમેરિકામાં વ્યાજદરોમાં ઘટાડો અટકી શકે છે. ત્યારબાદ શેર માર્કેટમાં રોકાણકારોનું વલણ વધશે.

સોના પર વાર્ષિક રિટર્ન 27.5 ટકા

જો અત્યાર સુધીમાં સોનામાં રિટર્નની વાત કરીએ તો રોકાણકારોને એક સપ્તાહમાં 6.73 ટકા, એક મહિનામાં 9 ટકા રિટર્ન આપ્યું છે. વાર્ષિક ધોરણે સોના પર રિટર્ન 27.5 ટકા સુધી મળ્યું છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે, હાલના તબક્કે સોનામાં લોન્ગ ટર્મ રોકાણ કરી શકાય છે. જ્યાં સુધી ખરીદીની વાત છે તો, જરૂરીયાતને ધ્યાનમાં રાખતા તહેવારોની સીઝન પહેલા અથવા પછી ખરીદી મધ્યમ રહેશે.