નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્રએ લાંબી છલાંગ ભરી છે. સરકારી આંકડાઓ અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ત્રિમાસિકમાં GDP ગ્રોથ વધીને 7.8 ટકાએ પહોંચ્યો છે. આ પહેલાં માર્ચ ત્રિમાસિકમાં GDP ગ્રોથ 6.1 ટકા નોંધાયો હતો. જ્યારે ગયા વર્ષે જૂન ત્રિમાસિકમાં GDP ગ્રોથ 13.1 ટકા રહ્યો હતો, સરકારે જારી કરેલા ડેટામાં આ માહિતી આપી હતી.
જોકે રિઝર્વ બેન્કે આઠ ટકા GDP ગ્રોથ અંદાજ્યો હતો. આ પહેલાં નાણાકીય વર્ષ 2023માં દેશનો GDP ગ્રોથ 7.2 ટકા રહ્યો હતો. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં ચીનનો GDP ગ્રોથ 6.3 ટકા રહ્યો હતો. વિશ્વમાં મુખ્ય દેશોમાં ભારત હજી પણ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
સરકાર દ્વારા જારી થયેલા આકંડા મુજબ જૂન ત્રિમાસિકમાં કૃષિ GDP ગ્રોથ 3.5 ટકા રહ્યો છે, જ્યારે એક વર્ષ પહેલાં આ ત્રિમાસિકમાં 2.4 ટકા હતો. જોકે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ગ્રોથ જૂન ત્રિમાસિક ગાળામાં ઘટીને 4.7 ટકા રહ્યો હતો. જે એક વર્ષ પહેલાં 6.1 ટકા હતો.