નવી દિલ્હીઃ વિદેશી રોકાણની દ્રષ્ટિએ આ વર્ષ ઘણું સારું રહ્યું છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)નો ભારતીય બજારો પર વિશ્વાસ વધ્યો છે. FPIએ વર્ષ 2023માં ભારતીય શેરબજારમાં આશરે રૂ. 1.5 લાખ કરોડ ઠાલવ્યા છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે દેશના અર્થતંત્રને લઈને વિદેશી રોકાણકારો માટે આકર્ષણ વધ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે FPIનું આ સકારાત્મક વલણ આગામી વર્ષ 2024માં પણ જારી રહેવાની અપેક્ષા છે.
મધ્યસ્થ બેન્કે ફેડ રેટે વ્યાજદરમાં વધારો કર્યા પછી ત્રણ વાર વ્યાજદર વધાર્યા છતાં વર્ષ 2022માં FPIનો ચોખ્ખો ઇનફ્લો રૂ. 1.21 લાખ કરોડ રહ્યો હતો.
આવતા વર્ષે સામાન્ય ચૂંટણીની વચ્ચે રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસ FPI માટે મુખ્ય મુદ્દા રહેશે. આ સિવાય વૈશ્વિક સ્તરે મોંઘવારી અને વ્યાજદર ભારતીય શેરબજારોમાં વિદેશી પ્રવાહની દિશા નક્કી કરશે, એમ મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. વળી, દેશની મજબૂત આર્થિક વૃદ્ધિતરની સાથે ભારત FPIનું આકર્ષનું કેન્દ્ર બન્યું રહેશે, એમ તેમણે કહ્યું હતું.
ડિપોઝિટરીના ડેટા મુજબ આ વર્ષે FPIએ અત્યાર સુધી રૂ. ડેટ અને બોન્ડ બજારમાં પણ આશરે રૂ. 60,000 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું. તેમનું આ વર્ષે કુલ મળીને મૂડીરોકાણ રૂ. બે લાખ કરોડથી વધુનું રહ્યું છે.
ત્રણ રાજ્યોમાં હાલની ચૂંટણીમાં ભાજપને જીત મળ્યા પછી રાજકીય સ્થિરતા થવાથી FPIએ ડિસેમ્બરના પહેલા બે સપ્તાહમાં રૂ. 43,000 કરોડ ઠાલવ્યા હતા. FPIએ વર્ષ 2021માં શેરોમાં રૂ. 25,752 કરોડ, 2020માં રૂ. 1.7 લાખ કરોડ અને 2019માં રૂ. 1.01 લાખ કરોડ ઠાલવ્યા હતા.