નવી દિલ્હીઃ માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં સરકારી બેન્કોનો કુલ નફો સૌપ્રથમ વાર રૂ. એક લાખ કરોડથી વધુ રૂ. 1,04,649 કરોડ થયો છે. વર્ષ 2017-18માં આ બેન્કોને રૂ. 85,000 કરોડનું નુકસાન થયું હતું. રેર્ટિંગ એજન્સી ક્રિસિલના સિનિયર ડિરેક્ટર અરુણકુમાર ઐયરે કહ્યું હતું કે બેન્કોએ ફિનટેક કંપનીઓને બિઝનેસ પાર્ટનર બનાવી છે. એનાથી ડિપોઝિટ, ઉપાડ અને ફંડ ટ્રાન્સફર જેવાં કામ બેન્કોની બહાર થવા લાગ્યાં છે. જો બધા વ્યવહાર બેન્ક શાખા અથવા ATM દ્વાર થતા તો બેન્કોના ખર્ચમાં વધારો થાત. ફિનટેકે બેન્કોની નાની લોન પરનો ખર્ચ બચાવી દીધો છે. એ નવાં ખાતાં ખોલવામાં પણ સહાયરૂપ સાબિત થઈ છે, એમ IOBના ભૂતપૂર્વ CMD એમ. નરેન્દ્રએ જણાવ્યું હતું.
વર્ષ 2022-23માં 83.71 અબજ લેવડદેવડ UPIથી થયા ત્રણ વર્ષમાં એ ચાર ગણા વધ્યા છે. શાખામાં દરેક લેવડદેવડ પર રૂ. 24, ATM વ્યવહાર પર રૂ. 15.18 અને દરેક કાર્ડ સ્વેપ કરવાનો ખર્ચ રૂ. 3-5 થાય છે. ફિનટેક દ્વારા વ્યવહારોથી આ ખર્ચ બચી રહ્યો છે.
ફિનટેકના સારા રિસ્ક એનાલિસિસથી લોન ડિફોલ્ટ અને ખર્ચમાં ઘટો થયો છે. વર્ષ 2017-18માં મોટી બેન્ક SBIની આવકની તુલનાએ ખર્ચ 50.18 હતો, હવે એ ઘટીને 35.58 ટકાએ આવી ગયો છે, એમ યુકો બેન્કના એક નિવૃત્ત ED અજય વ્યાસે કહ્યું હતું.
વર્ષ 2022-23માં SBIએ રૂ. 50,232 કરોડ, બેન્ક ઓફ બરોડા રૂ. 14,110 કરોડ, PNBનો રૂ. 2507 કરોડ, યુનિયન બેન્કનો રૂ. 8433 કરોડ અને ઇન્ડિયન બેન્કનો નફો રૂ. 5282 કરોડ થયો હતો.
