નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટને ઠેરવ્યું છે કે ફ્લેટ ખરીદનાર વ્યક્તિને જો એના ફ્લેટનો કબજો આપવામાં વિલંબ થાય કે ફ્લેટમાં નક્કી કરાયેલી સુવિધાઓ આપવામાં ડેવલપર નિષ્ફળ જાય તો ફ્લેટ ખરીદનાર એની પાસેથી વળતર મેળવવાને હકદાર બને છે.
સર્વોચ્ચ અદાલતે એ બાબતની નોંધ પણ લીધી છે કે ફ્લેટનો એગ્રીમેન્ટ ડેવલપરના હિતનું રક્ષણ થાય એ રીતે જ તૈયાર કરવામાં આવે એ યોગ્ય નથી. આ બાબત એકતરફી ગણાય, જે ચલાવી શકાય નહીં.
ન્યાયમૂર્તિઓ વાય.વી. ચંદ્રચૂડ અને કે.એમ. જોસેફની બનેલી બેન્ચે કહ્યું કે થયેલા કોન્ટ્રાક્ટ અનુસાર નિર્ધારિત સમયગાળાની અંદર જો ડેવલપર ફ્લેટનો કબજો આપવામાં એની કોન્ટ્રાક્ટલક્ષી જવાબદારી નિભાવવામાં નિષ્ફળ જાય તો એને ઊણપ તરીકે ગણાવી શકાય. ગ્રાહકે નક્કી થયેલા દરે ફ્લેટ ખરીદ્યો હોય તે છતાં એનો ફ્લેટ મળવામાં એને વિલંબ થાય તે છતાં ડેવલપરની દલીલની તરફેણ કરાય તો એ ન્યાયની કસુવાવડ થઈ એવું કહેવાય.
ન્યાયાધીશોએ એ બાબતની પણ નોંધ લીધી છે કે ડેવલપરની ભૂલને કારણે ફ્લેટ ખરીદનારને ઘણી તકલીફ અને વ્યથા ભોગવવા પડતા હોય છે. ફ્લેટ ખરીદનારાઓ ફ્લેટના આધારે એમની જિંદગીનું ભવિષ્ય ઘડતા હોય છે, જે કાયદેસર ગણાય. ખરીદેલા ફ્લેટનો સમયસર કબજો મળે અને પોતે એનો ઉપયોગ કરી શકે એનો ગ્રાહકને અધિકાર છે.
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એવા કેસમાં આવ્યો છે જેમાં નેશનલ કન્ઝ્યૂમર ડિસ્પ્યૂટ્સ રીડ્રેસલ કમિશને ફ્લેટ ખરીદનાર 339 વ્યક્તિઓએ નોંધાવેલી ગ્રાહક ફરિયાદ સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો અને ઊલટાનું, ડીએલએફ સધર્ન હોમ્સ પ્રા.લિ. તથા એનાબેલ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ પ્રા. લિ. કંપનીઓના બચાવનો સ્વીકાર કર્યો હતો. બિલ્ડરોએ એવી દલીલ કરી હતી કે રહેણાંક ફ્લેટનો કબજો આપવામાં વિલંબ થાય તે છતાં બિલ્ડરો એમની કોન્ટ્રાક્ટ પ્રમાણેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયા છે એવું કહી ન શકાય અને આનાથી ગ્રાહકને વળતરનો અધિકાર પણ મળતો નથી.
કેસમાં આ પ્રકારના વલણ સાથે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સહમત થયા નહોતા અને તેમણે ગ્રાહકોનો પક્ષ લીધો હતો.
ફ્લેટમાલિકોના વકીલે દલીલ કરી હતી કે એમને ફ્લેટનો કબજો આપવામાં બેથી ચાર વર્ષનો વિલંબ કરાયો હતો, જે ગેરવાજબી કહેવાય.