શેરબજારને ફેડનો બુસ્ટર ડોઝઃ IT શેરોમાં લાવ-લાવ

અમદાવાદઃ ફેડના નિર્ણયે માર્કેટ માટે બુસ્ટર ડોઝનું કામ કર્યું છે. જેથી સ્થાનિક શેરબજારોમાં તેજીની આગેકૂચ રહી હતી. BSE સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા. સેન્સેક્સ સૌપ્રથમ વાર 70,000ને પાર બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 21,200ની પાર પહોંચવામાં સફળ થયો હતો. મિડકેપ અને નિફ્ટી બેન્ક ફરી એક વાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા. નિફ્ટી IT ઇન્ડેક્સ 20 મહિનાની ઊંચાઈ બંધ આવ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 4.08 લાખ કરોડનો વધારો થયો હતો.

ગુરુવારે મુખ્ય સેક્ટોરિયલ ઇન્ડેક્સ રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયા હતા. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ પણ 70,500ને પાર જવામાં સફળ થયો હતો અને 930 પોઇન્ટ ઊછળીને 70,514ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 256 પોઇન્ટ ઊછળીને 21,183ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ 587 પોઇન્ટની તેજી સાથે 45,534ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ક 640ની તેજી સાથે 47,732ના મથાળે બંધ થયો હતો.

અમેરિકી ફેડરલ રિઝર્વે સતત ત્રણ વાર વ્યાજદરોમાં નહીં વધારવાનો નિર્ણય કર્યો હતો. આ સિવાય બેન્કે આગામી વર્ષે કમસે કમ ત્રણ વાર વ્યાજદરોમાં કાપ મૂકવાના સંકેત આપ્યા હતા. જોકે વર્ષ 2024માં એ કાપ ચાર વાર થવાની શક્યતા છે. વર્ષ 2024માં ત્રણ વાર 25-25 બેઝિસ પોઇન્ટના કાપની શક્યતાના સંકેત છે. જેથી શેરબજારમાં આગઝરતી તેજી થઈ હતી. બજારને અપેક્ષા છે કે અમેરિકામાં વ્યાજદરો નીચે આવ્યા પછી FII ભારતીય શેરબજારોમાં પાછા વળશે. જેથી બજાર આવતા વર્ષે નવી ઊંચાઈએ પહોંચે એવી શક્યતા છે. આ સિવાય ઓદ્યૌગિક ઉત્પાદન ઓક્ટોબરમાં 16 મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું ઉત્પાદન 10 ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો હતો.

નિફ્ટી 50માંથી 19 શેર 52 સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. ચાર લાખ કરોડનો વધારો થયો હતો. આ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 355 લાખ કરોડને પાર પહોંચ્યું છે.