અમદાવાદઃ અમેરિકી ફેડ રિઝર્વે ચાર વર્ષ પછી સૌપ્રથમ વાર વ્યાજદરોમાં કાપનું એલાન કર્યું છે, જે પછી ઘરેલુ શેરબજારોમાં તેજી જોવા મળી હતી, જોકે ઊંચા મથાળે રોકાણકારોએ નફારૂપી વેચવાલી કાઢી હતી. નિફ્ટી બેન્કે સૌપ્રથમ વાર 53,000ની સપાટી વટાવી હતી. સેન્સેક્સ અને નિફ્ટીએ નવો ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો. જોકે મિડકેપ અને સ્મોલકેપ અને માઇક્રોકેપમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારોએ રૂ. બે લાખ કરોડ ગુમાવ્યા હતા.
ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કાપ પછી શેરબજાર મોર્નિંગ સેશનમાં એક તબક્કે 700 પોઇન્ટ અને નિફ્ટી 200 પોઇન્ટ ઊછળી ગયા હતા. જોકે ઊંચા મથાળેથી પ્રોફિટ બુકિંગ આવતાં શેરો દબાણ જોવા મળ્યું હતું. ફેડરલ રિઝર્વે 50 બેઝિસ પોઇન્ટની દરોમાં કાપની ઘોષણા કરી હતી. નિફ્ટી50એ પણ એક તબક્કે 25,500ની સપાટી કુદાવી હતી. જોકે ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઊંચા મથાળેથી ઘટાડો થયો હતો અને સેન્સેક્સ 236.57 વધી 83,185 અને નિફ્ટી 38.25 પોઇન્ટ વધી 25,416ના મથાળે બંધ થયા હતા.
ઘરેલુ બજારમાં આજે રોકાણકારોએ PSE, ઓઇલ-ગેસ, મેટલ ફાર્મા અને IT શેરોમાં વેચવાલી કાઢી હતી, જ્યારે FMCG, બેન્કિંગ અને ઓટો શેરોમાં લેવાલી કરી હતી. NSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર ગઈ કાલે FII ચોખ્ખા લેવાલ રહ્યા હતા અને તેમણે 1153.69 કરોડની લેવાલી કાઢી હતી, જ્યારે DIIએ પણ રૂ. 152.31 કરોડના શેર ખરીદ્યા હતા.
BSE એક્સચેન્જ પર કુલ 4075 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1246 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 2734 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 95 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 241 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 53 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.