નવી દિલ્હીઃ GST કાઉન્સિલની 40મી બેઠક પછી નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મિડિયાને સંબોધિત કરતાં બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે જણાવ્યું હતું. GSTની 40મી બેઠકમાં અમુક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આમાં ઓગસ્ટ, 2017થી જાન્યુઆરી, 2020 સુધી GST રિટર્ન નહીં કરવા પર લાગતી લેટ ફીને માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પણ એ રાહત એવા વેપારીઓને જ મળશે, જેમની કોઈ ટેક્સ જવાબદારી નથી.
ટેક્સ જવાબદારીઓ હતી, તેમની લેટ ફી ઓછી કરી દેવામાં આવી
નાણાં પ્રધાને કહ્યું હતું કે જુલાઈ, 2017થી જાન્યુઆરી, 2020 સુધી કોરોના વાઇરસ સંક્રમણ શરૂ થયા પહેલાં જે વેપારીઓ પર ટેક્સ જવાબદારીઓ હતી, તેમની લેટ ફી ઓછી કરી દેવામાં આવી છે. નાણાપ્રધાને જણાવ્યું હતું કે જુલાઈ, 2017થી જાન્યુઆરી 2020 સુધી ટેક્સ લાયાબિલિટી હોવા છતાં જ ટ્રેડર્સ GST-3B ફાઇલ નથી કર્યાં તેમના પર હવે મહત્તમ લેટ ફી રૂ. 500 લાગશે. જોકે એનો લાભ પહેલી જુલાઈ, 2020થી માંડીને 30 સપ્ટેમ્બર, 2020 સુધી રિટર્ન ફાઇલ કરવાવાળાઓને પણ મળશે.
કોઈ લેટ ફી અથવા ઇન્ટરેસ્ટ નહીં
નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે જે વેપારીઓનું ટર્નઓવર રૂ. પાંચ કરોડ સુધીનું છે અને જો તેમણે મે, જૂન અને જુલાઈ, 2020 માટે GSTR-3B સપ્ટેમ્બર સુધી ફાઇલ કર્યું છે તો તેમના પર કોઈ લેટ ફી અથવા ઇન્ટરેસ્ટ નહીં લાગે.
બધાં રાજ્યોના નાણાપ્રધાનો સામેલ
નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથેની બેઠકમાં બધા રાજ્યોના નાણાં પ્રધાનો સામેલ થયા હતા. નાણાપ્રધાને વિડિયો કોન્ફરન્સિંગથી યોજેલી મીટિંગમાં રાજ્યોની દરખાસ્તોને બહુ ધ્યાનથી સાંભળી હતી. બધાં રાજ્યોએ તેમની વાત નાણાં પ્રધાન સમક્ષ કરી હતી.
મોટી સંખ્યામાં રિટર્ન ફાઇલિંગ બાકી
નાણાપ્રધાને કહ્યું હતું કે જુલાઈ, 2017થી જાન્યુઆરી, 2020 સુધી એટલે કે કોરોના સંક્રમણ શરૂ થયા પહેલાં મોટી સંખ્યામાં રિટર્ન ભરવાનાં બાકી છે. તેમણે કહ્યું હતું કે GSTની આગામી બેઠક જુલાઈમાં થશે, જેમાં રાજ્યોને વળતર પર ચર્ચા થશે. જોકે આ મીટિંગની તારીખ નક્કી નથી.
GST કાનૂન હેઠળ રાજ્યોને એક જુલાઈ, 2017 સુધી GSTના અમલમાં આવ્યા પછી પહેલા પાંચ વર્ષ સુધી આવકમાં નુકસાનને ભરપાઈની ગેરન્ટી આપવામાં આવી છે.