નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીના સંકટમાં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (એમ્પલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન – EPFO) સંસ્થાએ તેના ધારકોને એક નવી ભેટ આપી છે. ડિજિટલાઈઝેશનના આ સમયમાં હવે EPFO ધારકો પોતાની ફરિયાદ ડિજિટલ માધ્યમથી અમુક મિનિટોમાં જ નોંધાવી શકશે. આ માટે નિવૃત્તિ ફંડનું સંચાલન કરતી આ કેન્દ્રીય સંસ્થાએ વોટ્સએપ હેલ્પલાઈન બહાર પાડી છે.
શ્રમ મંત્રાલયે કહ્યું છે કે EPFOના ધારકો માટે ફરિયાદો નોંધાવવા માટે અનેક ફોરમ-મંચની રચના કરવામાં આવી છે. વોટ્સએપ હેલ્પલાઈન તે ઉપરાંતની છે. સરકાર આ પહેલાં EPFiGMS પોર્ટલ, ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ અને 24×7 કોલ સેન્ટર જેવી સુવિધાઓ શરૂ કરી ચૂકી છે.
પોતાના ખાતાધારકોને ફરિયાદ નોંધાવવામાં સરળતા રહે અને સંસ્થાને પણ એ ફરિયાદોનું નિદાન કરી, એનો નિકાલ કરવાનું સરળ બની રહે એટલા માટે EPFO દ્વારા વોટ્સએપ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.
સંબંધિત ક્ષેત્રીય કાર્યાલયના વોટ્સએપ હેલ્પલાઈન નંબર EPFOની વેબસાઈટ પરથી મળી શકે છે. આ વેબસાઈટ પર તમામ કાર્યાલયોના વોટ્સએપ હેલ્પલાઈન નંબર મૂકવામાં આવ્યા છે.
EPFO પ્રાદેશિક ઓફિસોના વોટ્સએપ હેલ્પલાઈન નંબર
EPFO સંસ્થાએ દેશના 138 ક્ષેત્રીય કાર્યાલયોમાં આ વોટ્સએપ હેલ્પલાઈન સેવા શરૂ કરી છે. આની મારફત EPFO ખાતેદારો વ્યક્તિગત રીતે EPFOના ક્ષેત્રીય કાર્યાલયો સાથે સંકળાયેલા રહી શકશે.
EPFOની આ પહેલ ડિજિટલ ભારતની દિશામાં એક નવું મહત્ત્વનું કદમ છે.
કોરોના સંકટમાં પોતાના ધારકોને અવિરત સેવા ઉપલબ્ધ થાય એ માટે EPFO દ્વારા શ્રેણીબદ્ધ ‘નિર્બધ’ પહેલ શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે જ આ વોટ્સએપ હેલ્પલાઈન છે.
આ હેલ્પલાઈનનો હેતુ ધારકો આત્મનિર્ભર બને અને કોઈ વચેટિયાઓ પર નિર્ભર ન રહે એવો છે. ધારકોને એમની ફરિયાદ નોંધાવવા માટે EPFO ઓફિસમાં પ્રત્યક્ષ રીતે જવું ન પડે એ માટે આ હેલ્પલાઈન સેવા શરૂ કરાઈ છે.
આ છે, મુંબઈ અને ગુજરાતમાં પ્રાદેશિક ઈપીએફ ઓફિસોના ડેડિકેટેડ વોટ્સએપ હેલ્પલાઈન નંબરઃ