EPFOએ વ્યાજદર ઘટાડીને 8.1 ટકા કર્યોઃ 44 વર્ષના નીચલા સ્તરે

નવી દિલ્હીઃ નાણાં વર્ષ 2021-22 માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (EPF) જમા પર વ્યાજદર ઘટાડીને ગયા નાણાકીય વર્ષના 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. ચાર દાયકાથી વધુ સમયમાં સૌથી ઓછો વ્યાજદર છે. આ પહેલાં EPF પર વ્યાજ દર સૌથી ઓછો આઠ ટકા 1977-78માં હતો. EPFOએ 31 માર્ચે પૂરા થઈ રહેલા ચાલુ નાણાકીય વર્ષ માટે વ્યાજદર એના પાંચ કરોડ સભ્યો માટે નક્કી કર્યા છે. EPFOની નિર્ણય લેનારી ટોચની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની શનિવારે મળેલી બેઠક થઈ હતી, જેમાં 2021-22 માટે EPF પર વ્યાજ દર 8.1 ટકા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ એક સૂત્રએ જણાવ્યું હતું.

EPFOની પાસે જમા નાણાં પર એની આવકને આધારે વ્યાજદર નક્કી કરવામાં આવે છે. જમા રકમ 13 ટકા વધી છે. જ્યારે વ્યાજથી આવક માત્ર આઠ ટકા વધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)એ 2020-21 માટે  EPF જમા પર વ્યાજદર 8.5 ટકા રાખવાનો નિર્ણય માર્ચ 2021માં લીધો હતો. એને ઓક્ટોબર, 2021માં નાણાં મંત્રાલયે મંજૂરી આપી હતી.

હવે CBTના હાલના નિર્ણય પછી 2021-22 માટે  EPF જમા પર વ્યાજદરની સૂચના નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. માર્ચ, 2020માં EPFOએ 2019-20 માટે ભવિષ્ય નિધિ જમા પર વ્યાજ દર સાત વર્ષ માં સૌથી ઓછો 8.5 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે 2018-19માં 8.65 ટકા અને 2017-18માં 8.55 ટકા હતો.