સેન ફ્રાન્સિસ્કોઃ માઈક્રોબ્લોગિંગ અને સોશ્યલ નેટવર્કિંગ સર્વિસ ટ્વિટરનું સંચાલન કરતી અમેરિકાની કમ્યુનિકેશન કંપની ટ્વિટરને 44 અબજ ડોલરમાં હસ્તગત કરવાના સોદાનું પાલન કરવામાં અનેક વાર ગલ્લાંતલ્લાં કર્યા બાદ અમેરિકાના ટોચના ઉદ્યોગપતિ અને ટેસ્લા કંપનીના સીઈઓ ઈલોન મસ્કે આખરે ટ્વિટરનો ચાર્જ સંભાળી લીધો છે.
સીએનબીસીના અહેવાલે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે મસ્કે ટ્વિટરનું સંચાલન પોતાને હસ્તક લઈ લેતાં ટ્વિટરના ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ અને ફાઈનાન્સ વિભાગના વડા નેડ સેગલ કંપની છોડી ગયા છે. તેઓ સેન ફ્રાન્સિસ્કો સ્થિત કંપનીના મુખ્યાલયમાંથી રવાના થઈ ચૂક્યા છે અને કંપનીમાં પાછા ફરવાના નથી. મસ્કે પોતાની પસંદના એક્ઝિક્યૂટિવ્સની નિમણૂક કરવાનું શરૂ પણ કરી દીધું છે. અહેવાલો અનુસાર, ટ્વિટરના નીતિ, ટ્રસ્ટ, સુરક્ષા વિભાગનાં વડાં વિજયા ગડ્ડેને પણ પાણીચું આપવામાં આવ્યું છે.