મુંબઈ તા.21 એપ્રિલ, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જે તાજેતરમાં તેના એસએમઈ પ્લેટફોર્મ પરની કંપનીઓના મેઈન બોર્ડમાં સ્થળાંતર સંબંધિત નીતિની પુનર્સમીક્ષા કરી છે અને એને સંબંધિત માપદંડો જાહેર કર્યા છે. એસએમઈ પ્લેટફોર્મ પરની કઈ કંપનીઓ મેઈન બોર્ડમાં જઈ શકે એમ છે એની પાત્રતાને રોકાણકારો આ માપદંડના આધારે અગાઉથી જાણી શકે છે. એક્સચેન્જે જાહેર કરેલા માપદંડો નીચે પ્રમાણે છે.
- મેઈન બોર્ડમાં સ્થળાંતર કરવા ઈચ્છતી કંપનીની પેઈડ-અપ કેપિટલ 10 કરોડથી ઓછી ન હોવી જોઈએ અને ઈક્વિટી મૂડીનું કેપિટલાઈઝએશન રૂ.25 કરોડથી ઓછું ન હોવું જોઈએ. માર્કેટ કેપિટલાઈઝેશન નક્કી કરવા માટે સંબંધિત કંપનીના સ્ટોક એક્સચેન્જના ત્રણ મહિના દરમિયાનના સાપ્તાહિક હાઈ અને લો બંધ ભાવની સરેરાશ લેવામાં આવશે.
- અરજી કર્યા પૂર્વેનાં ત્રણ વર્ષ દરમિયાન કંપની તેના કામકાજના ખર્ચથી અધિક એટલે કે (વ્યાજ, ઘસારા અને વેરા પૂર્વે) હકારાત્મક રોકડ આવક (કેશ એક્રુઅલ) ધરાવતી હોવી જોઈશે અને અરજી કર્યા પૂર્વેના તત્કાળના નાણાકીય વર્ષમાં કરવેરા બાદનો નફો કર્યો હોવો જોઈશે. મેઈન બોર્ડમાં મજબૂત નાણાકીય ફંડામેન્ટલ્સ ધરાવતી કંપનીઓ જ જઈ શકે એ આ જોગવાઈનો હેતુ છે.
- અરજદાર કંપની એસએમઈ પ્લેટફોર્મ પર ઓછામાં ઓછાં ત્રણ વર્ષથી લિસ્ટેડ હોવી જોઈએ. વળી કંપની બોર્ડ ઓફ ઈન્ડસ્ટ્રિયલ એન્ડ ફાઈનાન્સિયલ રિકંસ્ટ્રક્શન (બીઆઈએફઆર)માં ગઈ ન હોવી જોઈએ કે કંપની વિરુદ્ધ વાઈન્ડિંગ અપની પિટિશન પ્રાપ્ત કરી ન હોવી જોઈએ. કંપનીની નેટવર્થ ઓછામાં ઓછા 50 કરોડ હોવી જોઈએ.
- અરજી કરવાની તારીખ પૂર્વેના ક્વાર્ટરમાં કંપનીમાં કુલ પબ્લિક શેરહોલ્ડર્સની સંખ્યા ઓછામાં ઓછા 1000ની હોવી જોઈએ.
- કંપનીના શેર્સ જ્યાં લિસ્ટેડ હોય ત્યાં કંપની સામે લિટિગેશન્સ, વિવાદ કે નિયમન સંબંધિત જે પગલાં લેવામાં આવ્યાં હોય તેની પૂરી જાણકારી અરજદાર કંપનીએ જાહેર કરવી પડશે. કંપની વિરુદ્ધના કોઈ પણ સર્વેલન્સ પગલા કે ટ્રેડ ટુ ટ્રેડ કેટેગરીમાંથી સિક્યુરિટી બહાર લવાય એ પછી બે મહિનાનો કૂલિંગ પિરિયડ રહેશે. આ સિવાય પણ અન્ય કેટલાંક ડિસ્ક્લોઝર્સ કંપનીએ કરવાનાં રહેશે.