જેટ એરવેઝના નરેશ ગોયલની રૂ.538 કરોડની સંપત્તિ જપ્ત

મુંબઈઃ કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ હાલ દેવાળું ફૂંકનાર એરલાઈન જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સામે વિશેષ PMLA કોર્ટમાં પ્રોસીક્યૂશન કમ્પ્લેન્ટ (પીસી) નોંધાવી છે. ઈડીની પીસીનું મહત્ત્વ પોલીસ દ્વારા ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈઓ હેઠળ નોંધાવાયેલી ચાર્જશીટ (આરોપનામા) જેવું જ છે. ગોયલ, એમના પત્ની અનિતા તથા જેટ એરવેઝ અને જેટ લાઈટ સહિત ચાર કંપની સામે આરોપનામું નોંધવામાં આવ્યું છે. ઈડી એજન્સીએ તેની તપાસના ભાગરૂપે ગોયલની રૂ. 538 કરોડની સંપત્તિ જપ્ત કરી છે.

ઈડી એજન્સીનો આરોપ છે કે ગોયલની ગેરપ્રવૃત્તિઓને કારણે કેનેરા બેન્કને રૂ. 538 કરોડની ખોટ ગઈ છે. આરોપીઓએ અનેક બેન્કોને રૂ. 5,700 કરોડની ખોટ કરાવી હોવાની શંકા છે. એજન્સીએ આ કેસમાં ગોયલ અને એમના પરિવારજનો, યૂએઈસ્થિત ઉદ્યોગપતિ હસમુખ ગાર્ડી સાથે એમણે કરેલા સોદાઓમાં વધુ તપાસ કરવા માટે કોર્ટ પાસે સમય માગ્યો છે. હસમુખ ગાર્ડી જેટ એરવેઝના પ્રમોટર પણ છે. કેનેરા બેન્ક સાથે રૂ. 538 કરોડની કથિત છેતરપીંડી કરવાના સંબંધમાં મની લોન્ડરિંગ કેસમાં ગોયલની ગઈ 1 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. એમને હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં પૂરવામાં આવ્યા છે. કેનેરા બેન્કને ગયેલી કથિત ખોટ અંગે સીબીઆઈ એજન્સીએ નોંધાવેલી એફઆઈઆરના આધારે ઈડી એજન્સીએ કેસ નોંધાવ્યો છે.