દિલ્હીઃ દિલ્હી એરપોર્ટ પર ડિજિ યાત્રા શરૂ થવાની છે, હાલ એ માટેના ટ્રાયલની શરૂઆત થઈ ગઈ છે. આ સુવિધાને લીધે એરપોર્ટમાં યાત્રોઓનો પ્રવેશ પેપરલેસ થશે. પ્રવાસીઓએ અહીં ઓળખ માટે આધાર કે બીજા કોઈ પુરાવા નહીં બતાવવાં પડે. ચહેરાથી પ્રવાસીની ઓળખ થઈ જશે ને એ માટે ફેસિયલ-બેઝ્ડ બાયોમેટ્રિક્સ ટેક્નોલોજીનો વપરાશ કરવામાં આવશે.
ટાટા ગ્રુપની એરલાઈન્સ કંપની ‘વિસ્તારા’ અને દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ મળીને આ સુવિધાની શરૂઆત ટર્મિનલ-3થી કરશે. પહેલા એક ટર્મિનલ પર આ પહેલને કેવો પ્રતિસાદ મળે છે એ જોઈને બીજે પણ એનો અમલ કરવામાં આવશે. ડિજિ યાત્રા સરકારની મહત્વકાંક્ષી યોજના છે. બેંગલોર, હૈદરાબાદ અને મુંબઈ પણ આ સુવિધા માટે તૈયારીમાં લાગેલા છે.
કેન્દ્ર સરકારનું ડિજિ યાત્રા ફાઉન્ડેશન અત્યારે આ માટેનું પ્લેટફોર્મ બનાવવા માટે કાર્યરત છે. ફેસિયલ બેઝ્ડ બાયોમેટ્રિક્સ ટેક્નોલોજીને આ પ્લેટફોર્મ સાથે જોડી દેવામાં આવશે.
પ્રવાસી ટર્મિનલમાં દાખલ થતાં અગાઉ જ એનો બાયોમેટ્રિક ડેટા, આઈડી ને ફ્લાઈટ ડિટેઈલ્સ રજિસ્ટર કરી દઈ શકશે, જે પછીથી આખા ટર્મિનલમાં બધે એની ઓળખ બાયોમેટ્રિક્સથી થશે એટલે ક્યાંય એને પુરાવા આપવાની જરૂર નહીં પડે. જોકે જે પ્રવાસીઓ પેપર ડોક્યુમેન્ટ બતાવી પ્રવેશ કરવા માગતા હોય એમના માટે અત્યારની સિસ્ટમ પણ ચાલુ રહેશે.