આઇસી15 ઇન્ડેક્સમાં 542 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગયા સપ્તાહે થયેલો લગભગ તમામ વધારો મંગળવારે ધોવાઈ ગયો હતો. રોકાણકારો ડિજિટલ એસેટ્સ માર્કેટમાં સાવચેતીપૂર્વક કામકાજ કરી રહ્યા છે. જોકે, બિટકોઇનમાં મંગળવારે થોડો સુધારો જોવા મળ્યો હતો. ઇન્ટ્રાડે ધોરણે તેમાં 20,500 ડોલરની સપાટી જોવા મળ્યા બાદ ભાવ 21,060 ડોલર સુધી પહોંચ્યો હતો.

અમેરિકામાં કુલ રાષ્ટ્રીય પેદાશના નવીનતમ આંકડાઓ બુધવારે જાહેર થવા પૂર્વે માર્કેટમાં સાવચેતીભર્યું વલણ છે. ગુરુવારે વ્યક્તિગત ખર્ચના મે 2022ના આંકડાઓ બહાર પડાવાના છે.

દરમિયાન, ગેલેક્સી ડિજિટલના સીઈઓ માઇક નોવોગ્રેટ્ઝે ક્રીપ્ટો માર્કેટમાં મંદી 18 મહિના સુધી ચાલવાની હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. તેને પગલે બિટકોઇન માઇનર્સે વેચવાલી શરૂ કરી છે. બીજી બાજુ, અનેક ક્રીપ્ટોકરન્સી હેજ ફંડ યુએસડીટી કોઇનનું વેચાણ કરી રહ્યાં હોવાથી માર્કેટમાં વાતાવરણ ડહોળાયું છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.87 ટકા (542 પોઇન્ટ) ઘટીને 28,448 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,991 ખૂલીને 29,059 સુધીની ઉપલી અને 27,509 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
28,991 પોઇન્ટ 29,059 પોઇન્ટ 27,509 પોઇન્ટ 28,448 પોઇન્ટ

ડેટાનો સમયઃ 28-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)