એક હજાર લોકોના ક્રેડિટ કાર્ડ સાથે ઠગાઈ કરનારી ગેંગ ઝડપાઈ…

નવી દિલ્હીઃ એક હજાર લોકોના ક્રેડિટ કાર્ડ સાથે ઠગાઈ કરનારી એક ગેંગની નોએડા પોલીસે ધરપકડ કરી છે. આ  ગેંગ પાસે એક ખાસ બેંકના 50 હજાર ક્રેડિટ કાર્ડ ગ્રાહકોનો ડેટા મળી આવ્યો છે. પકડવામાં આવેલા આરોપી પાસેથી પોલીસે જ્યારે તેની ઠગાઈ કરવાની પદ્ધતી જાણી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. તો ક્રેડિટ કાર્ડ વેચનારી બેંક પણ શંકાના દાયરામાં આવી છે.

નોએડા પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસથી સતત ક્રેડિટ કાર્ડથી ફ્રોડની ફરિયાદો સામે આવી હતી. થોડા દિવસ પહેલા જ એનડીઆરએફના એક એસઆઈના ખાતામાંથી 1.70 લાખ રુપિયા કાઢવામાં આવ્યા હતા. પોલીસનું માનીએ તો આ દરમિયાન આશરે એક હજાર ફરિયાદો આવી ચૂકી છે. ત્યારબાદ સ્પેશિયલ ટાસ્ક ફોર્સને સક્રિય કરી દેવામાં આવી છે.

પોલીસે આ મામલે ચાર લોકોની અટકાયત કરી છે. પકડવામાં આવેલા લોકોએ જણાવ્યું કે આ એક બેંકના ક્રેડિટ કાર્ડનો ડેટા રાખનારી એજન્સીથી કાર્ડ ડેટા ખરીદતો હતો. એક કાર્ડનો ડેટા એક રુપિયામાં મળતો હતો. આરોપીઓએ 50 હજાર કાર્ડના ડેટા ખરીદ્યા હતા.

ત્યારબાદ કાર્ડના ઉપભોક્તાઓને તે ફોન કરતા હતા. બેંકમાંથી આવેલો ફોન અને પોતાને બેંકના કર્મચારી જણાવીને કાર્ડ સંબંધિત કેટલીક અન્ય જાણકારી લેવાનો પ્રયત્ન કરતા હતા. જેવો જ કોઈ શિકાર પોતાની જાળમાં ફસાય કે તરત જ તેના ખાતામાંથી પૈસા કાઢી લેતા હતા.