દેશની બેન્કોમાં નાગરિકોનું 62,000-કરોડનું સોનું ગીરવી છે

મુંબઈઃ છેલ્લા બાર મહિનામાં ભારતમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રએ લીધેલા કુલ ઋણ (લોન)માં ઘટાડો નોંધાયો છે, પરંતુ રીટેલ લોનનું પ્રમાણ ઘણું વધી ગયું છે. આમાં સોનું ગીરવી મૂકીને બદલામાં લોન (ગોલ્ડ લોન) લેવામાં તેમજ ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. બેન્કો દ્વારા અપાયેલા કુલ ધિરાણમાં 26 ટકા હિસ્સો રીટેલ અથવા પર્સનલ લોનનો છે. છેલ્લા બાર મહિનામાં આવી લોનનો આંકડો 11.2 ટકા વધ્યો છે.

રીટેલ લોન્સમાં, ગોલ્ડ લોન બિઝનેસ ખૂબ વધ્યો છે. ગયા વર્ષના માર્ચના અંત ભાગથી કોરોનાવાઈરસ રોગચાળો ફેલાતા તેને પગલે દેશવ્યાપી લોકડાઉન લાગુ કરાયું હતું, તેને કારણે ઘણી નોકરીઓ કપાઈ, લોકોના પગાર ધરખમ રીતે કપાયા, મેડિકલ ખર્ચા વધી ગયા હતા – આ બધી સમસ્યાઓને કારણે લોકોને એમનું સોનું ગીરવી મૂકીને લોન લેવાનું વધારે સરળ લાગ્યું હતું. પાછલા વર્ષની સરખામણીમાં આ વર્ષે કુલ વિતરીત કરાયેલી ગોલ્ડ લોનમાં 77.4 ટકાનો ઉછાળો આવ્યો છે. રૂ. 27,223 કરોડની ગોલ્ડ લોન વધી છે. જુલાઈ-2021 સુધીમાં આ પ્રકારની લોનનો કુલ આંક વધીને રૂ. 62,412 કરોડ થયો છે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ જૂન-2021 સુધીમાં 12 મહિનામાં ગોલ્ડ લોન વિતરણમાં 338.76 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. આ બેન્કે કુલ રૂ. 21,293 કરોડની રકમની ગોલ્ડ લોન આપી છે. આવી જ વૃદ્ધિ ક્રેડિટ કાર્ડ બિઝનેસમાં પણ નોંધાઈ છે. છેલ્લા 12 મહિનામાં, પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વધારે લોકોએ ક્રેડિટ કાર્ડ મારફત નાણાં ઉછીના લેવાનું પસંદ કર્યું છે. ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ 8.6 ટકા વધ્યું છે.