મુંબઈઃ નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)એ તેની સભ્ય રેસ્ટોરન્ટ્સના માલિકોને સલાહ આપી છે કે કોરોના વાઈરસના ફેલાવાને ધ્યાનમાં લઈને તેઓ 31 માર્ચ સુધી એમની હોટલ્સ-રેસ્ટોરન્ટ્સ, આઉટલેટ્સ બંધ રાખે. ડોમિનોઝ જેવી ચેન દ્વારા તો સલામતીના આ પગલાંનો અમલ શરૂ પણ કરી દીધો છે.
NRAI દ્વારા તેના સભ્યો જોગ એક સલાહ ઈસ્યૂ કરવામાં આવી છે જેમાં એમને 31 માર્ચ સુધી અથવા થોડાક સમય સુધી પોતપોતાની રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. થોડાક દિવસો પછી કોરોના વાઈરસના કેસ નોંધાવાનું બંધ થઈ જાય તે પછી રેસ્ટોરન્ટ્સ ફરી ખોલવી એમ કહેવામાં આવ્યું છે.
એક નિવેદનમાં આ સંસ્થાએ કહ્યું છે કે રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાના નિર્ણયને કારણે મોટી અવળી આર્થિક અસર ઊભી થશે, પરંતુ ખાણીપીણીની પ્રવૃત્તિઓ થોડોક સમય સુધી બંધ રાખવી તે સભ્યો, એમના કર્મચારીઓ તથા ગ્રાહકોનાં બહોળા હિતમાં રહેશે.
NRAIના નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં કોરોના વાઈરસ રોગચાળાથી જે પરિસ્થિતિ સર્જાઈ છે એની પર અમારી બારીક નજર છે. આ અભૂતપૂર્વ પરિસ્થિતિ છે, જેમાં આપણે અમુક મુશ્કેલ નિર્ણયો લેવાની ફરજ પડી છે, જેની આપણા ધંધા પર મોટા પાયે અવળી અસર પડશે. પરંતુ, આપણે આપણી ટીમ્સ, આપણા મહેમાનો અને આપણા સમાજોના બહોળા હિતને ખાતર આમ કરી રહ્યા છીએ.
આ એસોસિએશનમાં દેશભરની 50 લાખથી વધારે રેસ્ટોરન્ટ્સ સામેલ થયેલી છે.
તેણે નિવેદનમાં જણાવ્યું છે કે રેસ્ટોરન્ટ્સના મોટા ભાગના કર્મચારીઓ આવવા-જવા માટે જાહેર પરિવહનના સાધનોનો ઉપયોગ કરતા હોવાથી એમને ભયાનક કોરોનાનો ચેપ લાગે અને એમનાથી ફેલાવો વધે એવું જોખમ રહેલું છે. તેથી એવું કોઈ જોખમ ટાળવાને માટે અમે સભ્યોને સલાહ આપીએ છીએ કે તેઓ થોડાક દિવસો માટે પોતપોતાની રેસ્ટોરન્ટ્સ બંધ રાખે અને આ ખતરનાક વાયરસને ફેલાતો રોકવામાં મદદરૂપ થાય.
NRAIના પ્રમુખ અનુરાગ કતિહારે કહ્યું છે કે રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને ફરજિયાત નથી.
NRAIની સભ્ય ફર્સ્ટ ફિડલ રેસ્ટોરન્ટ્સ કંપનીના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર પ્રિયાંક સખીજાએ જણાવ્યું છે કે અમે 31 માર્ચ સુધી અમારી રેસ્ટોરન્ટ્સ બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને આવું નક્કી કરનાર ફર્સ્ટ ફિડલ ચેન દેશની પહેલી છે. અમે અમારા સ્ટાફ તથા માનવંતા ગ્રાહકોની સલામતીને ખાતર આ નિર્ણય લીધો છે.
