મુંબઈ: કોર્પોરેટ ટેક્સ ઘટાડાની જાહેરાત બાદ શુક્રવારની તેજી આજે સપ્તાહની શરુઆતે પણ યથાવત રહી હતી. સોમવારે સેન્સેક્સ 1075.41 પોઈન્ટ્સ અથવા 2.83 ટકાનો ઉછાળો સાથે બંધ આવ્યો હતો. ઈનટ્રા ડેમાં સેન્સેક્સ 1426 પોઈટ્ની સાથે 39441ના લેવલે પહોંચ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ પણ 329 પોઈન્ટના વધારા સાથે 11,603.40 પર બંધ આવ્યો હતો. ઈન્ટ્રા ડેમાં તે 421 વધ્યો હતો.
ટેક્સ કટથી કંપનીઓની અર્નિંગ વધશે તેવી આશા સાથે શેરબજારમાં આજે FMCG, કન્ઝ્યુમર, કેપિટલ ગૂડ્ઝ, બેંક, ઓટો અને રિયલ્ટી શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે આઈટી અને ટેકનો શેરોમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સના 30માંથી 16 અને નિફ્ટીના 50માંથી 32 શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સમાં સૌથી વધારે 5.64 ટકાની તેજી જોવા મળી હતી. આઈટી ઈન્ડેક્સ 2.88 ટકા નુકસાનમાં રહ્યા હતા.
આજે વધેલા મુખ્ય શેરોમાં BPCL 13.34 ટકા, બજાજ ફાઈનાન્સ 9,16 ટકા, L&T 9 ટકા, IOC 8.94 ટકા, આઈશર મોટર્સ 8.75 ટકા, એશિયન પેઈન્ટસ 7.93 ટકા, ITC 7.01 ટકા, એક્સિસ બેન્ક 6.97 ટકા, અદાણી પોર્ટ્સ 6.42 ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક 6.16 ટકાનો સમાવેશ થાય છે. આજે ઘટેલા મુખ્ય શેરોમાં ઝી 7.51 ટકા, ઈન્ફોસિસ 4.99 ટકા, ટાટા મોટર્સ 4.39 ટકા, પાવરગ્રીડ 4.15 ટકા, સિપ્લા 3.32 ટકા, NTPC 3.25 ટકા, ડો રેડીઝ લેબ 3.10 ટકા, ભારતી એરટેલ 3.05 ટકા અને ટેક મહિન્દ્રા 2.65 ટકાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, માર્કેટ એનાલિસ્ટોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવા અને શેરબજારમાં ટેક્સ સંબધી રાહતોની જાહેરાતની અસર જોવા મળી રહી છે. આ જાહેરાત બાદ શુક્રવારે પણ બજારમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો.