‘ઈન્વેસ્ટમેન્ટ વખતે ભૂલ કરવાનું ટાળો; ટૂંકો રસ્તો જોખમી બની શકે’

‘ચિત્રલેખા’ અને આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગમાં, ‘ચિત્રલેખા’ના વાચકો, ‘ચિત્રલેખા.કોમ’ના ફોલોઅર્સ તથા ઈન્વેસ્ટરોને માર્ગદર્શન આપવાની સેમિનાર-વેબિનાર શ્રેણીનો એક વધુ મણકો રવિવાર, 27 માર્ચે રજૂ કરવામાં આવ્યો હતો. આ વેબિનારનો વિષય હતોઃ ‘વૈશ્વિક અસ્થિરતા વચ્ચે મૂડીરોકાણ કેવી રીતે કરશો?’. તેમાં નિષ્ણાત વક્તાઓએ ‘અસ્થિર પરિસ્થિતિને કેવી રીતે સંભાળશો?’, ‘સંપત્તિની ફાળવણીનું મહત્ત્વ’ તથા ‘SIPનું સામર્થ્ય’ જેવા મુદ્દાઓ પર જ્ઞાનવર્ધક અને માહિતીપ્રદ ચર્ચા કરી હતી તથા દર્શકો-રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું.

આ વખતના વેબિનારમાં આ નિષ્ણાતોએ ભાગ લીધો હતોઃ આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના ઈન્વેસ્ટર એજ્યૂકેશન અને ડિસ્ટ્રીબ્યુટર ડેવલપમેન્ટ વિભાગના ઝોનલ મેનેજર શૈલેન્દ્ર દીક્ષિત, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી લિ.ના રીટેલ સેલ્સ વિભાગના વડા ભવદીપ ભટ્ટ તથા વરિષ્ઠ આર્થિક પત્રકાર જયેશ ચિતલિયાએ. જયેશભાઈએ કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું. ‘ચિત્રલેખા’ દ્વારા આ વેબિનારનું આયોજન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી – એમ ત્રણ ભાષામાં કરવામાં આવ્યું હતું.

જયેશ ચિતલિયાએ કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું હતું કે આદિત્ય બિરલા સનલાઈફ મ્યુચ્યુઅલ ફંડ ગ્રુપને ધન્યવાદ આપું છું કે તેઓ વર્ષોથી ‘ચિત્રલેખા’ની સાથે મળીને SEBIના ઉદ્દેશ્યને અનુરૂપ ફાઈનાન્સિયલ સાક્ષરતા અને ફાઈનાન્સિયલ કેળવણી જાગૃતિ (ઈન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન અવેરનેસ) માટે સૌથી મોટું અને સૌથી જરૂરી કેમ્પેન હાથ ધરી રહ્યા છે.

ભવદીપ ભટ્ટે વોલેટાલિટીની તુલના વીજળી સાથે કરી હતી. એમણે કહ્યું કે, જેમ વીજળી આમ તો જોખમી હોય છે, પરંતુ જો આપણે એનો ઉચિત રીતે ઉપયોગ કરીએ તો એ ઉત્પાદનકારી અને રાહતકારી સાધન બની જાય છે. એવી જ રીતે, શેરબજાર કે ઈક્વિટી માર્કેટમાં પણ ઉતાવળે-ટૂંકા ગાળામાં રિટર્ન હાંસલ કરવાની વૃત્તિ જોખમી બની શકે છે. પરંતુ જો કોઈ લાંબા ગાળા માટે ઈન્વેસ્ટ કરે તો એમાં રિટર્ન જનરેશન કે સંપત્તિ સર્જન માટેની ક્ષમતા વધારે રહેતી હોય છે.

શૈલેન્દ્ર દીક્ષિતે SIP વિશેની મૂળભૂત બાબત વિશે કહ્યું કે SIPમાં સૌથી મોટો સિદ્ધાંત છે સુસંગતપણું. SIP કેવી રીતે કાર્ય કરે છે એની જાણકારી દીક્ષિતે ગ્રાફિક્સ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. એમણે કહ્યું કે, એસઆઈપી દ્વારા ઈન્વેસ્ટરોએ માર્કેટને મોટા પાયે ટેકો પૂરો પાડ્યો છે. તમારી એસઆઈપી તમારે માટે તો સંપત્તિનું સર્જન કરી રહી હોય છે, પરંતુ સાથોસાથ રાષ્ટ્રનિર્માણનું કાર્ય પણ કરી રહી છે.

જયેશ ચિતલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ઈન્વેસ્ટમેન્ટમાં રિસ્ક (જોખમ) અને રિટર્ન (લાભ) વચ્ચે એક પ્રકારનો તાલમેલ હોય છે. મતલબ કે, જ્યાં રિસ્ક વધારે હોય ત્યાં રિટર્ન વધારે મળે છે, પરંતુ એની કોઈ ગેરન્ટી હોતી નથી. તેથી આ ખોટી માન્યતા સામે ઈન્વેસ્ટરોએ સંભાળવાનું છે. ખોટા નિર્ણયો લેવા, કસમયના નિર્ણયો લેવા, પોતાને લાભદાયી ન હોવા છતાં ટિપ્સને ફોલો કરવા જેવી ભૂલોને ટાળવાનું ઈન્વેસ્ટરો માટે બહુ જરૂરી હોય છે. મારા મંતવ્ય મુજબ હાલની પરિસ્થિતિમાં ઈન્વેસ્ટરોએ એ જોવું જોઈએ કે એમણે ઈન્વેસ્ટમેન્ટ કયા સમયે કરવું જોઈએ.

ચર્ચાસત્ર બાદ વક્તાઓએ દર્શકો-ઈન્વેસ્ટરોએ પૂછેલાં સવાલોના જવાબ આપ્યા હતા.

વેબિનારની શરૂઆતમાં, ‘ચિત્રલેખા.કોમ’ના તંત્રી કેતન ત્રિવેદીએ નિષ્ણાત વક્તાઓ તથા ઈન્વેસ્ટરો, દર્શકો- વાચકોનું સ્વાગત કર્યું હતું. તેમણે નિષ્ણાત વક્તાઓનો સંક્ષિપ્તમાં પરિચય કરાવ્યો હતો. તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે વધુ ને વધુ લોકો આ વેબિનારમાં સહભાગી થાય અને નિષ્ણાત વક્તાઓ પાસેથી જ્ઞાન મેળવે.

(સંપૂર્ણ વેબિનારનો વિડિયો જુઓ)