ભારતીય સૈનિકોના બુલેટપ્રૂફ જેકેટ માટે ચીની કંપનીઓ આપશે મટિરીયલ

નવી દિલ્હીઃ આતંકને શરણ આપનારા પાકિસ્તાનનું ખાસ દોસ્ત ચીન હવે ભારતીય સૈનિકોનું રક્ષા કવચ બનશે. ભારતીય સૈનિકો માટે બુલેટપ્રુફ જેકેટ બનાવવામાં વાપરાતો સામાન હવે ચીની કંપનીઓ પાસેથી આયાત કરવામાં આવશે. ભારતીય સેનાએ સૈનિકોના બુલેટપ્રુફ જેકેટ માટે 639 કરોડ રુપિયાનો ઓર્ડર આપ્યો છે જેનો એક મોટો ભાગ ચીની કંપનીઓને મળશે. સેના માટે 1,80,000 જેકેટ બનાવવાનો ઓર્ડર ભારતીય કંપની SMPP ને મળ્યો છે, જેના પ્રમુખ આયાતકોમાં ચીની કંપનીઓ શામીલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સૈનિકો માટે 1,80,000 જેકેટોનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આના પર 639 કરોડ રુપિયાનો ખર્ચ આવશે. આ જેકેટોમાં લાગનારા 40 ટકા માલને ચીનથી આયાત કરવામાં આવશે. આમાં ફેબ્રિક અને બોરોન કાર્બાઈડ પાવડર પણ શામિલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર જ્યારે SMPP એ આ ઓર્ડર માટે બોલી લગાવી હતી, તે સમયે તેણે યૂરોપ અને અમેરિકી કંપનીઓના માલથી બનેલા જેકેટ્સ રજૂ કર્યા હતા, પરંતુ ઓર્ડર મળ્યા બાદ કંપનીએ ચીની કંપનીઓથી માલ લેવાનું શરુ કર્યું. આ મામલે કંપનીએ જણાવ્યું કે સપ્લાયર્સ બદલાવાથી જેકેટ્સની ક્વાલિટીમાં કોઈ ફરક નહી પડે.

પ્રાપ્ત વિગતો અનુસાર SMPP ને કોન્ટ્રાક્ટ મળ્યા બાદથી અત્યારસુધી એક વર્ષમાં બેજિંગના ચાંગપિંગ જિલ્લાની ઘણી કંપનીઓને 26 કરોડ રુપિયા આપી દેવામાં આવ્યા છે અને તે કંપનીઓએ કાચો માલ પણ ભારતીય મેન્યુફેક્ચરિંગ યૂનિટ્સને મોકલી આપ્યો છે. SMPP ને અત્યારસુધી આ કોન્ટ્રાક્ટ માટે 60 કરોડ રુપિયા આપવામાં આવ્યા છે.

અધિકારીઓ અનુસાર જેકેટ્સની પ્રથમ કન્સાઈનમેન્ટમાં 10,000 પીસ આવ્યા છે અને તેમનું ક્વાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. આ જેકેટ્સ માટે માલ સપ્લાય કરનારી ચાર કંપનીઓમાંથી સૌથી મોટી કંપની Beijing Protech New Material Science Company Ltd. ની પ્રોફાઈલ અનુસાર કંપની 2003 માં શરુ થઈ હતી અને આના કુલ નિર્યાતોમાંથી 45 ટકા મિડલ ઈસ્ટ અને 10 ટકા નિર્યાત દક્ષિણ એશિયાઈ કંપનીઓને કરવામાં આવે છે.