મુંબઈઃ ભારતમાં કેમિસ્ટ્સ અને ડ્રગિસ્ટ્સ (દવા વિક્રેતાઓ)ની સંસ્થાએ અમેરિકાની મલ્ટીનેશનલ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ જેફ બેઝોસને પત્ર લખીને જણાવ્યું છે કે ભારતમાં ઈ-ફાર્મસી બિઝનેસ કરવો ગેરકાયદેસર છે.
એમેઝોન વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રીટેલર છે. એ ભારતમાં ઓનલાઈન ફાર્મસી ઉદ્યોગમાં પ્રવેશવાનો પ્લાન કરી રહી છે.
ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) સંસ્થાએ બેઝોસને પત્ર લખીને જણાવ્યું છે કે ભારતના કાયદાઓ અંતર્ગત દેશમાં ઈ-ફાર્મસીઓ ગેરકાયદેસર ગણાય છે અને એમને ધંધો કરવાની પરવાનગી નથી.
AIOCD સંસ્થામાં 8.5 લાખ કેમિસ્ટ્સ સામેલ છે. એમણે ગઈ 14 ઓગસ્ટે જેફ બેઝોસને પત્ર લખ્યો હતો અને બેઝોસના ભારતમાંના સીઈઓ અમિત અગ્રવાલનું કહેવું છે કે ભારતમાં છેલ્લા અમુક વર્ષોમાં ઓનલાઈન ફાર્મસી બિઝનેસ વિવાદોમાં સપડાયો છે. અનેક કોર્ટ કેસ થયા છે અને કાનૂની પ્રશ્નો ખડા થયા છે.
AIOCDના પત્રમાં જણાવાયું છે કે, www.amazon.in ભારતમાં ઓનલાઈન ફાર્મસી ક્ષેત્રમાં પ્રવેશવાનો નિર્ણય લીધો છે એવું અમારી જાણમાં આવ્યું એટલે અમે તમને આ પત્ર લખ્યો છે. તમને એ હકીકતથી વાકેફ કરવા માટે કે ભારતમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ અંતર્ગત ઘડાયેલા કાયદા અનુસાર ભારતમાં ઈ-ફાર્મસી ચલાવવી ગેરકાયદેસર છે.
ઉલ્લેખનીય છે કે, એમેઝોને આ મહિનાના આરંભમાં, બેંગલુરુમાં એક ઓનલાઈન ફાર્મસી શરૂ કરી હતી. એમેઝોન ફાર્મસી નામે એણે ઓવર-ધ-કાઉન્ટર અને પ્રીસ્ક્રિબ્શન-બેઝ્ડ દવાઓ માટેના ઓર્ડર સ્વીકારવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત તેણે પરંપરાગત હર્બલ દવાઓ તથા ગ્લુકોઝ મીટર, નેબ્યુલાઈઝર્સ, હેન્ડહેલ્ડ મસાજર્સ જેવા અમુક હેલ્થ સાધનો વેચવાનું પણ શરૂ કર્યું છે.