મુંબઈ તા.1 ઓગસ્ટ, 2022: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિ. (સીડીએસએલ)ના 30 જૂન, 2022માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે ઓડિટેડ કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના રૂ.73.13 કરોડથી 22 ટકા વધીને રૂ.89.11 કરોડ થયો છે. કુલ આવક રૂ.121.69 કરોડથી 30 ટકા વધીને રૂ.157.81 કરોડ થઈ છે.
જૂન 2022માં સીડીએસએલ એવી પ્રથમ ડિપોઝિટરી બની છે, જેમાં 6.85 કરોડ ડિમેટ ખાતાં છે. નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રણ મહિનામાં 55 લાખ ડિમેટ ખાતાં ખોલાયાં હતાં, જે આગલા વર્ષના સમાન ગાળામાં 62 લાખ ખાતાં હતાં. સીડીએસએલ તેની સબસિડિયરી સીવીએલ મારફત દેશની સૌથી મોટી કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી બની છે.
આ પ્રસંગે સીડીએસએલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નેહલ વોરાએ કહ્યું હતું કે અમે પ્રાકૃતિક અને એકધારી વૃદ્ધિ મારફત વૈવિધ્યપૂર્ણ સર્વિસીસ પૂરી પાડવાનું ચાલુ રાખ્યું છે. અમારી ડિજિટલ સર્વિસીસ બજારના બધા સહભાગીઓ માટે સિક્યુરિટીઝ માર્કેટનો એક્સેસ સરળ અને સુવિધાપૂર્ણ બનાવે છે. સીડીએસએલ રોકાણકારોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સંયુક્તરૂપે કામ કરતી રહેશે.