મુંબઈઃ NPCI ભારત બિલપે લિમિટેડ અને કેનેરા બેન્કે સહયોગ કરીને ઓમાનમાં રહેતાં ભારતીય લોકો માટે સરહદ-પાર ઈનવર્ડ બિલ ચૂકવણી સેવાનો આરંભ કર્યો છે. આને લીધે બિનનિવાસી ભારતીયો હવે મુસંદમ એક્સચેન્જ મારફત એમનાં પરિવારજનો વતી બિલ ચૂકવણી કરવા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા શરૂ કરાયેલા પ્લેટફોર્મનો લાભ ઉઠાવી શકે છે.
આ સેવા શરૂ કરનાર કેનેરા બેન્ક ભારતમાં જાહેર ક્ષેત્રની પહેલી બેન્ક બની છે. આ સુવિધાને લીધે ઓમાનમાં રહેતાં ભારતીયો હવે એમના વતન માટેની સેવાઓ માટેના બિલની ઝડપથી, સરળતાપૂર્વક અને સુરક્ષિત રીતે ચૂકવણી કરી શકશે. મુસંદમ એક્સચેન્જનું સંચાલન કેનેરા બેન્ક કરે છે. ક્રોસ-બોર્ડર બિલ પેમેન્ટ સેવા કુવૈતમાં ચાલી જ રહી છે. હવે ઓમાનનાં લોકોને પણ આ સુવિધા પ્રાપ્ત થઈ છે.
ઓમાનમાં રહેતાં એનઆરઆઈ લોકો માટે આ સેવા શરૂ કરવા બદલ કેનેરા બેન્કના એમડી અને સીઈઓ કે. સત્યનારાયણ રાજુ અને એનપીસીઆઈ ભારત બિલપે લિમિટેડના સીઈઓ નૂપૂર ચતુર્વેદીએ આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે.
