અમદાવાદ– શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સામાન્ય સુધારો જોવાયો હતો. એકતરફી ચાર દિવસથી ઘટાડાને બ્રેક વાગી છે. હેવીવેઈટ શેરોમાં નીચા મથાળે નવી લેવાલીનો ટેકો આવ્યો હતો, જો કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ જોવાયું હતું. આમ આજે સવારની મજબૂતી ઝાઝી ટકી શકી ન હતી, પણ ઈન્ડેક્સ આધારિત શેરોમાં ટેકારૂપી લેવાલીથી ઈન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 36.78(0.11 ટકા) વધી 32,869.72 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 5.95(0.06 ટકા) વધી 10,127.75 બંધ થયો હતો.એશિયાઈ સ્ટોક માર્કેટના મિશ્ર વાતાવરણ વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે સવારે શેરોના ભાવ મજબૂત ખુલ્યા હતા. જો કે ઊંચા મથાળે તેજીવાળા ઓપરેટરોની વેચવાલી આવી હતી. સામે સ્થાનિક નાણા સંસ્થાઓની નવી લેવાલી માત્ર બ્લુચિપ શેરોમાં હતી, એફઆઈઆઈની લેવાલી અને વેચવાલી સાવ ધીમી હતી. જેથી વધઘટ સાવ સંકડાઈ ગઈ હતી. આજે હેવીવેઈટ શેરોમાં ઈન્ફોસીસ, એચયુએલ, ઓએનજીસી, એસબીઆઈ અને ટીસીએસમાં નવી લેવાલીથી મજબૂતી જોવા મળી હતી.
- નિફટીના 50 સ્ટોકમાંથી 28 સ્ટોક પ્લસ બંધ રહ્યા હતા, અને 20 સ્ટોક માઈનસમાં બંધ હતા.
- શુક્રવારે એફઆઈઆઈએ રૂપિયા 306 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 176 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું હતું.
- આજે મજબૂત બજારમાં પણ ઓટોમોબાઈલ, બેંક, કેપિટલ ગુડ્ઝ સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
- રોકડાના શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 14.67 માઈનસ હતો.
- બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 93.11 ઘટ્યો હતો.
- નાણાકીય વર્ષ 2017-18નું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થાય તેની સંભાવના છે.
- 31 જાન્યુઆરી, 2018ના રોજ આર્થિક સર્વે રજૂ થશે
- સંસદનું બજેટ સત્ર 30 જાન્યુઆરીથી શરૂઆત થઈ શકે છે.
- પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થનાર બજેટમાં આવકવેરામાં રાહત આવવાનો આશાવાદ છે.
- ઈન્ફોસીસના સીઈઓ અને એમડી પદે સલિલ પારેખનું નામ જાહેર થયા પછી આજે ઈન્ફોસીસના શેરમાં નવી લેવાલી આવી હતી અને શેરનો ભાવ રૂ.26.80(2.80 ટકા) વધી રૂ.985.30 બંધ રહ્યો હતો.