અમદાવાદ– શેરબજારમાં નવા નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ દિવસે મજબૂતી આગળ વધી હતી. ચાર દિવસની રજા અને સપ્તાહનો પ્રથમ દિવસ હતો, જેથી માર્કેટ ખુલતાની સાથે બ્લુચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ વચ્ચે એફઆઈઆઈની નવી લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 286.68(0.87 ટકા) ઉછળી 33,255.36 બંધ રહ્યો હતો. એનએસઈ નિફટી ઈન્ડેક્સ 98.10(0.97 ટકા) ઉછળી 10,211.80 બંધ રહ્યો હતો. એશિયાઈ સ્ટોક માર્કેટમાં મિશ્ર ટોન હતો, તેમ છતાં ચાર દિવસના બંધ પછી શેરબજાર આજે મજબૂત મથાળે ખુલ્યું હતું. લાર્જકેપ શેરોની સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. ટ્રેડ વૉરનો ભય હોવા છતાં ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી. અમેરિકાની સામે ચીને અમેરિકાની 128 પ્રોડક્ટ પર ટેરિફ લાદી છે. જે સમાચાર હાલ ડિસ્કાઉન્ટ થયા હતા. યુરોપિયન સ્ટોક માર્કેટ બંધ હતા.