ગુજરાત કો-ઓ. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન(અમૂલ)નું રુ.29,220 કરોડનું ટર્નઓવર

આણંદ– અમૂલના નામે દૂધ અને દૂધની પેદાશોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન  લિમિટેડે 31 ડિસેમ્બર 2017ના રોજ પૂરા થચેલા નાણાંકીય વર્ષ 2017-18માં રૂ.29,220 કરોડનું પ્રોવિઝનલ ટર્નઓવર નોંધાવ્યુ છે. અગાઉના વર્ષની તુલનામાં તેની બ્રાન્ડેડ કન્ઝયુમર્સ પ્રોડકટસે 14 ટકાથી વધુ વૃધ્ધિ દર નોંધાવ્યો છે. ચીઝ, માખણ, દૂધનાં પીણાં, પનીર, ક્રીમ અને છાશનો વૃધ્ધિ દર 20થી 40 ટકા જેટલો રહ્યો છે. અગાઉના વર્ષની તુલનામાં અમૂલ ફેડરેશનના કુલ ટર્નઓવરમાં 8 ટકાનો વૃદ્ધિ દર નોંધાયો છે, સ્થાનિક અને વિદેશનાં બજારોમાં નિરૂત્સાહી વલણને કારણે કોમોડીટીઝના વેચાણમાં 60 ટકા જેટલા ઘટાડો જોવા મળ્યો છે.અમૂલ ફેડરેશન દૂધના વધુ એકત્રિકરણ, નવાં બજારો ઉમેરીને સતત વિસ્તરણ નવી પ્રોડકટસ રજૂ કરવાને કારણે અને દેશભરમાં નવી પ્રોસેસિંગ ક્ષમતાઓના ઉમેરાને કારણે છેલ્લા 8 વર્ષથી 18 ટકાથી વધુ એકંદર સરેરાશ વાર્ષિક વૃધ્ધિ દર નોંધાવતી રહી છે. દેશનાં આંતરિયાળ બજારોમાં પહેંચવા માટે અમૂલ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 15 નવી શાખાઓ શરૂ કરવામાં આવી છે. વધુમાં ગ્રાહકોને ગુણવત્તા ધરાવતી પ્રોડકટસ વ્યાજબી ભાવે મળી રહે તે માટે નાનાં ગામ અને નગરોમાં કેટલાક ડીસ્ટ્રીબ્યુટર્સની નિમણુંક કરી છે. આ ઉપરાંત ગ્રાહકોની વધતી જતી બદલાતી જતી જરૂરિયાતોના સંદર્ભમાં અમૂલ ફેડરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં 50 નવી પ્રોડકટસ બજારમાં મુકી છે. અમૂલ બ્રાન્ડનું પ્રોવિઝનલ અનડુપ્લીકેટેડ ગ્રુપ ટર્નઓવર રૂ.41,000 કરોડનો આંક વટાવી ગયું છે, જે ગયા વર્ષની તુલનામાં 10 ટકા વધારે છે. અમૂલ ફેડરેશનના ગુજરાતના 18 સભ્ય સંઘોના 18,700 ગામોના 36 લાખથી વધુ ખેડૂત સભ્યો સરેરાશ દૈનિક 211 લાખ લીટર દૂધ પૂર પાડી રહ્યાં છે, જે ગયા વર્ષની તૂલનામાં 20 ટકા વધુ છે.અમૂલ ફેડરેશનના અધ્યક્ષ રામસિંહ પરમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે બજારમાં અમૂલની પ્રોડકટસની માંગમાં થઈ રહેલા આંદાજીત વધારા અને અમારા ભવિષ્યના માર્કેટીંગવના પ્રયાસોને ધ્યાનમાં લેતાં આગામી પાંચ વર્ષમાં અમૂલના બિઝનેસમાં ઓછામાં ઓછો 20 ટકાનો એકંદર વાર્ષિક વૃદ્ધિ દર રહેવાની અપેક્ષા છે. અમૂલ તેની હાલની દૂધની પ્રોસેસિંગની દૈનિક 320 લાખ લીટરની ક્ષમતા આગામી 2 વર્ષમાં વધારીને દૈનિક 380 થી 400 લાખ લીટર કરવા માગે છે.”

અમૂલ ફેડરેશનના મેનેજીગ ડિરેકટર આર. એસ.સોઢીએ જણાવ્યું હતું કે “અમે તમામ પ્રોડકટ કેટેગરીમાં વેચાણ કદમાં વૃધ્ધિ હાંસલ કરી છે. પાઉચ મિલ્ક, કે જે સૌથી વધુ ટર્નઐવર ધરાવે છે તેણે બે આંકડાનો વેલ્યુ ગ્રોથ રેટ જાળવી રાખ્યો છે. અમારી ચીઝ, બટર, મિલ્ક બેવરેજીસ, પનીર, યુએચટી મિલ્ક, ફ્લેવર્ડ મિલ્ક, પનીર અને ફ્રેશ ક્રીમ જેવી ડેરી પ્રોડકટસે પણ બે આંકડાનો વેલ્યુ ગ્રોથ રેટ જાળવી રાખ્યો છે. તેમણે વધુમાં માહિતી આપી હતી કે અમારા બિઝનેસ ઉપર ગુડઝ અને સર્વિસ ટેક્સની હકારાત્મક અસર થઈ છે અને અમે વર્ષ 2020-21 સુધીમાં રૂ. 50,000 કરોડનું ટર્નઓવર હાંસલ કરવા માટે કટિબધ્ધ છીએ.